અમદાવાદના માણેકચોકમાં બંગાળી યુવકનો આપઘાત, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ | Ahmedabad Manek Chowk Incident: Bengali Youth Found Dead Police Begin Probe

![]()
Ahmedabad News: અમદાવાદના માણેકચોકમાં એક યુવકે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. રૂગનાથ બમ્બાની પોળમાં આવેલા ઓમકાર ફ્લેટમાં આ બનાવ બન્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાત પાછળનું કારણ આર્થિક તંગી હોવાનું મનાઈ રહ્યું છે, જે અંગેની જાણ થતાં જ ખાડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવક સતત માનસિક તણાવમાં રહેતો હતો!
મળતી માહિતી અનુસાર, મૃતક યુવક મૂળ બંગાળનો વતની હતો અને અહીં ઓમકાર ફ્લેટમાં વસવાટ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી તે ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર, યુવક પર દેવાનો બોજ વધી જવાથી તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. આ આર્થિક સંકડામણ અને દેવાના ભારથી કંટાળીને આખરે તેણે પોતાના મકાનમાં પંખા સાથે લટકીને અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ થતા જ ખાડિયા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પંખા પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આસપાસના પાડોશીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને યુવકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે. આપઘાત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


