ગર્લફ્રેન્ડને વીડિયો કોલ કર્યા પછી યુવકે ગળા ફાંસો ખાઇ લીધો | Young man hangs himself after video calling girlfriend

![]()
વડોદરા,નંદેસરી ગામમાં રહેતા ૩૨ વર્ષના યુવકે દેવું વધી જતા ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીના આધારે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નંદેસરી ગામ એલ.આઇ.જી. કોલોનીમાં રહેતો પ્રણવકુમાર શરદકુમાર મજમુદાર (ઉં.વ.૩૨) છૂટક કામ કરતો હતો. એકલા જ રહેતા પ્રણવને એક યુવતી સાથે પ્રેમ સંબંધ થતા બંને છેલ્લા એક મહિનાથી સાથે જ રહેતા હતા. પરંતુ, તે યુવતીને ચાર દિવસ પહેલા જ તેના પિતા લઇ ગયા હતા. ત્યારબાદ પ્રણવ એકલો જ રહેતો હતો. પ્રણવે તેની ગર્લફ્રેન્ડને વીડિયો કોલ કરી આત્મહત્યા કરતો હોવાની વાત કરી હતી. જેથી, ગર્લફ્રેન્ડે પ્રણવના ફ્લેટની નીચે રહેતા શખ્સને ઘરે જઇને તપાસ કરવાનુ ંકહેતા પાડોશીએ પ્રણવના ઘરે જઇને તપાસ કરી તો પ્રણવ ફાંસો ખાધેલી હાલતમાં હતો. જે અંગે નંદેસરી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતા મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, આ પગલું હું મારી જાતે ભરી રહ્યો છું. હું દેવાદાર થઇ ગયો છું. મારો મૃતદેહ મારી બહેનને આપવો.નંદેસરી પોલીસે યુવકના મોબાઇલ ફોનની પણ ચકાસણી કરી હતી. જેમાં ગર્લફ્રેન્ડ ઉપરાંત અન્ય મિત્રોના પણ કોલ હતા. યુવકને દેવું કઇ રીતે થઇ ગયું હતું, કોની પાસેથી કેટલા રૃપિયા લીધા હતા, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગર્લફ્રેન્ડ મહિને ૨૦ હજાર કમાતી હતી જ્યારે પ્રણવ કોઇ કામ કરતો નહતો
વડોદરા,
પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, પ્રણવની ગર્લફ્રેન્ડ કંપનીમાં કામ કરતી હતી. મહિને ૨૦ હજાર કમાતી ગર્લફ્રેન્ડના કારણે જ પ્રણવનું ઘર ચાલતું હતું. પરંતુ, ચાર દિવસ પહેલા જ બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા સામાન પેક કરીને યુવતી તેના પિતા સાથે જતી રહી હતી. પ્રણવને તેની બહેન સાથે પણ ઘણા સમયથી સંબંધ નહતો. પરંતુ, પ્રણવની ઇચ્છા મુજબ તેનો મૃતદેહ બહેનને સોંપવામાં આવ્યો હતો.



