રજા ચિઠ્ઠીનો અમલ કરવા ચોક્કસ પોલીસી બનાવવા વડોદરા પાલિકાની સામાન્ય સભામાં આશિષ જોષીએ માંગ ઉઠાવી | Ashish Joshi raised demand in general meeting of VMC to formulate specific policy for leave letter

![]()
Vadodara Corporation : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર આશિષ જોષીએ રજૂઆત કરી હતી કે, વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે એક બિલ્ડીંગને ત્રણ માળની મંજૂરી આપ્યા બાદ તે સાત માળની બની ગઈ તેમ છતાં તેની સામે કોઈ પગલા લેવાયા નહીં. તો ટાઉન પ્લાનિંગ વિભાગ શું કાર્યવાહી કરે છે? રજા ચિઠ્ઠી વિરુદ્ધ બિલ્ડીંગ બનવા છતાં આપણે માત્ર નોટિસ આપીને બેસી રહીએ અને કોઈ પગલાં ન લઈએ તે અત્યંત ખોટી બાબત છે.
જો કોઈ બિલ્ડર કે ઇમારત બનાવનાર ડિપાર્ટમેન્ટના નિયમ વિરુદ્ધ જઈ કામગીરી કરે તો પછી રજા ચિઠ્ઠીનો અર્થ જ શું? આપણે અપાયેલી રજા ચિઠ્ઠી બાદ તેનો અમલ ન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા મામલે ચોક્કસ પોલીસી બનાવી જોઈએ. જે સામે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, પાર્કિંગ પોલિસીમાં આપણે ટ્રાફિકનો વિષય લઈ લેવાનો છે. આ અંગે પોલીસી બનાવવામાં પોલીસ વિભાગના ઝોનના અધિકારીઓ, આરોગ્ય અમલદાર, ટાઉન પ્લાનિંગ વિભાગ, ટ્રાફિક પોલીસ સહિતના અન્ય વિભાગોને તેની કમિટીમાં સમાવવામાં આવશે અને એ બાદ ચોક્કસ તેના નીતિ નિયમો ઘડવામાં આવશે.


