‘ભાજપ-શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ થઈ રહ્યા’, BMC મેયર વિવાદ વચ્ચે સંજય રાઉતનો દાવો | Sanjay Raut Claims BJP Tapping Phones of BMC Corporator Amid Mumbai Mayor Row

![]()
BMC Mayor : મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના મેયર પદને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ખેંચતાણ હવે જાસૂસીના આરોપો સુધી પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મંગળવારે એક સનસનાટીભર્યો દાવો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ અત્યારે તેના પોતાના અને શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ કરી રહી છે.
દિલ્હીથી મેયર નક્કી થવો એ મહારાષ્ટ્રનું અપમાન : સંજય રાઉત
મીડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘મુંબઈનો મેયર કોણ બનશે તેનો નિર્ણય દિલ્હીથી લેવામાં આવી રહ્યો છે, જે મહારાષ્ટ્રની અસ્મિતાનું અપમાન છે. લક્ઝરી હોટલમાં લઈ જવાયેલા શિવસેનાના કોર્પોરેટરો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર કાર્યકર્તાઓ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે અને તેમના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે.’
અમને અમારા લોકો પર વિશ્વાસ : ભાજપ
ભાજપે સંજય રાઉતના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. ભાજપના કોર્પોરેટર નવનાથે વળતો જવાબ આપતાં કહ્યું કે, ‘જ્યારે મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે એકનાથ શિંદે અને ઉદય સામંતના ફોન કોણે ટેપ કરાવ્યા હતા, તે રાઉતે જણાવવું જોઈએ. અમને અમારા કોર્પોરેટરો પર પૂરો વિશ્વાસ છે અને પાર્ટી આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ નથી.’
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફરી ગુજરાતી ભાષા વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન
સંજય રાઉત અને રાજ ઠાકરેની મુલાકાતે વધાર્યું સસ્પેન્સ
એક તરફ ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સંજય રાઉતે મંગળવારે મનસે પ્રમુખ રાજ ઠાકરેની મુલાકાત લેતા રાજકીય ગરમાવો વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે BMC ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ગઠબંધને 118 બેઠકો મેળવી બહુમતીનો આંકડો પાર કરી લીધો છે, જેમાં ભાજપ 89 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે.
મેયર મહાયુતિનો બનશે, ભાજપનું નામ ન બોલ્યા શિંદે
ચૂંટણી જીત્યા બાદ શિવસેનાએ પોતાના કોર્પોરેટરોને એક લક્ઝરી હોટલમાં શિફ્ટ કર્યા છે, જેને પાર્ટીએ ‘ઓરિએન્ટેશન વર્કશોપ’ ગણાવ્યું છે. જોકે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે, મેયર મહાયુતિનો જ બનશે, પરંતુ સાથે જ તેમણે શિવસેના માટે પણ આ પદ પર દાવો ઠોક્યો છે. હવે જોવાનું એ રહેશે કે મુંબઈના આ તાજ માટે ભાજપ અને શિવસેના વચ્ચે સર્વસંમતિ ક્યારે સધાય છે.
આ પણ વાંચો : ચૂંટણી પાછળ કયાં પક્ષે કેટલા રૂપિયા ખર્ચ્યા, કયા પક્ષની વધી આવક, જુઓ ડેટા



