વડોદરા કોર્પોરેશનની સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરાવવા મામલે પૂર્વ મેયર અને પૂર્વ વિપક્ષી નેતા વચ્ચે ઉગ્ર ટપાટપી | former mayor and opposition leader face to face over street vendor policy in Vadodara

![]()
Vadodara Corporation : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી મંજૂર કરવા મામલે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ભારે શાબ્દિક ટપાટપી થઈ હતી. ભારે હોબાળા બાદ સમગ્ર મામલે વોટિંગના આધારે ફેરફાર સાથે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
શહેરમાં ધંધો રોજગાર કરતાં શહેરી ફેરિયાઓને ધંધો કરવા માટે યોગ્ય જગ્યા મળી રહે તે માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો પાલિકા અમલ કરવા જઈ રહ્યું છે. એ માટે પાલિકાની મળેલી સામાન્ય સભામાં સ્થાયી સમિતિના ઠરાવને ફેરફાર સાથે મંજૂરી આપવા અંગે દરખાસ્ત રજૂ થઈ હતી. જેમાં પોલીસીમાં ફેરફાર જોગ દરખાસ્ત રજુ કરાઈ હતી. જેમાં કોંગ્રેસે પોતાની પણ અલગથી દરખાસ્ત રજૂ કરી હતી. જે દરખાસ્ત મુજબ પોલીસીમાં જે કમિટી બનાવવામાં આવી છે એમાં પાલિકાના વિરોધ પક્ષના નેતાનો પણ સમાવેશ કરવો. આ અંગે સભામાં અમીબેન રાવત દ્વારા રજૂઆત કરાઈ હતી કે, આ ઇન્ટ્રીમ પોલિસી છે, કોર્પોરેશન સ્ટ્રીટ વેન્ડર પોલીસીના અમલની વાત કરતી હોય તો ગાઈડલાઈન પ્રમાણે તમે જ્યાં સુધી સંપૂર્ણ પોલિસીનો અમલ ના થાય ત્યાં સુધી લારી ઉઠાવી ન શકો.
આ અંગે ધારાસભ્ય અને પૂર્વ મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, હાલ જે પોલીસી બનશે તે મંજૂરી અર્થે રાજ્ય સરકારમાં પણ મોકલાશે, ત્યાં સુધી આ પોલીસીનો હંગામી અમલ ચાલુ રખાશે અને તે દરમિયાન ફાઈનલ પોલિસી આવશે ત્યાં સુધી જે ફેરફાર કરવાની જરૂર લાગશે તેમાં ફરી ફેરફાર કરાશે. જેની સામે અમીબેન રાવતે જણાવ્યું હતું કે, હું પોલિસીના અમલની વાત કરું છું, ગાઈડલાઈનનો અમલ કરાવો. જે સામે કેયુર રોકડિયા જવાબ આપ્યો હતો કે, એક તરફ તમારી જ પાર્ટીના કોર્પોરેટર હરીશ પટેલ પોતાના વોર્ડમાંથી નડતરરૂપ રીતે ઉભી રહેતી લારીઓ હટાવવાની વાત કરે છે અને તમે લારીઓ નહીં હટાવવાની વાત કરો છો, આમ એક જ પાર્ટીના બે સભ્યો દ્વારા અલગ અલગ રજૂઆતો થઈ રહી છે, તમારા (કોંગ્રેસ)માં જ આ મામલે એક મત નથી. જેથી હરીશ પટેલે તેમના નિવેદનનો વિરોધ કર્યો હતો. આ અંગે કેયુર રોકડિયા જણાવ્યું હતું કે, તમે નથી ઇચ્છતા કે આ પોલીસીની સમિતિમાં મેયરને પણ સ્થાન આપ્યું નથી પરંતુ તમારી માંગ માત્ર વિરોધ પક્ષના નેતા પૂરતી છે, જે અમને મંજૂર નથી. તેથી આના પર વધારે ચર્ચા કરવાના બદલે વોટીંગના આધારે નિર્ણય લેવો જોઈએ. જેથી મેયર પિન્કીબેન સોનીએ આ અંગે વોટિંગ કરાવતા બહુમતીના જોડે સમગ્ર કામ મંજૂર કરવામાં આવ્યું હતું.
નશીલો પદાર્થ વેચતા પકડાશે તો કાયમી લારીનું લાઇસન્સ રદ થશે, ભવિષ્યમાં નવું લાઇસન્સ મળશે નહીં
સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં નવા નિયમ પ્રમાણે કમિશનના અધ્યક્ષ સ્થાને જે કમિટી બનાવી છે તેમાં હોદ્દા જોગ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ડેપ્યુટી કમિશનર પોલીસ ટ્રાફિકનો સમાવેશ કરવાનો રહેશે અને પ્રત્યેક મહિને ઓછામાં ઓછી એકવાર આ મીટીંગ ફરજિયાત બોલાવવાની રહેશે. લારીની સાઈઝ નક્કી કરવાની રહેશે તથા પોલીસ સર્ટિફિકેટ લેવાનું રહેશે. નોન વેલ્ડીંગ ઝોન નક્કી કરવા બાબતમાં ચારે બાજુના બે અથવા વધુ પ્રસ્તાવના રોડ ક્રોસિંગ/જંકશનથી 100 મીટર સુધી કોઈ પણ ગલ્લા ઉભા રાખી શકાશે નહીં. વેન્ડિંગ નોન વેન્ડિંગ ઝોનમાં ફેરફારની સત્તા પાલિકાની સામાન્ય સભા પાસે રહેશે. કુટુંબ એકમ ફાળવણીમાં નોંધમાં કુટુંબ એટલે કે પતિ-પત્ની અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઉપરાંત આશ્રિત માતા-પિતાનો સમાવેશ કરવાનો રહેશે.
નોંધાયેલા વેન્ડરના રજીસ્ટ્રેશન રીન્યુ કરતી વખતે તેઓના આધાર કાર્ડ તથા અન્ય સરકારી કાગળો સાથે ચૂંટણી કાર્ડ પણ ફરજિયાત રજુ કરવાના રહેશે. સ્ટ્રીટ વેન્ડરના નિયમો મુજબ નશાખોરી માટે ઉપયોગમાં લેવાતા ડ્રગ્સ તથા દારૂ સહિત એનડીપીએસ એક્ટ અંતર્ગત આવતા પદાર્થ વેચતા પકડાય તો કાયમી ધોરણે લારી ધારકોનું લાઇસન્સ રદ કરવાનું રહેશે તથા ભવિષ્યમાં તેને કોઈ લાઇસન્સ પણ મળશે નહીં. લારી ગલ્લા માટે ફીના ધોરણમાં જીએસટી અલગ લાગુ પડશે. નિયમ ભંગ બદલ દંડ ધોરણમાં રજીસ્ટર લારી ધારક કે જે વેન્ડિંગ ઝોનમાં નિયત પાડવેલ છે તે જગ્યા કરતાં અન્ય જગ્યાએ અથવા નોન વેડિંગ ઝોનમાં ઉભી રાખતા પકડાશે તો અનરજીસ્ટર લારી ધારક વેન્ડિંગ કે નોન વેલ્ડીંગ ઝોનમાં ગેરકાયદેસર લારી ઉભા રાખતા પહેલીવાર પકડાય તો દંડ લઈ 90 દિવસ બાદ લારી છોડાશે. બીજી વખત પકડાશે તો નિયત દંડ લઇ છોડવામાં આવશે જ્યારે ત્રીજી વખત પકડાશે તો તેની લારી કાયમી જપ્ત રહેશે.


