गुजरात

ભીડવાળા સ્થળોનો લાભ ઉઠાવી ચેઈન સ્નેચિંગ-ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 2 મહિલા સહિત 4ની ધરપકડ | Ahmedabad Crime Branch Busts Gang Stealing Jewelry at Temples and ST Buses



Ahmedabad News : ગુજરાત અને રાજસ્થાનના પ્રખ્યાત ધાર્મિક સ્થળો તેમજ ST બસોમાં ભીડનો લાભ ઉઠાવીને કિંમતી ઘરેણાંની ચોરી કરતી કુખ્યાત ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આ ટોળકી પાસેથી 11 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા છે. ઝડપાયેલા ચાર આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

શ્રદ્ધાળુઓના ગળામાંથી ચેઈન ખેંચતી ગેંગનો પર્દાફાશ

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ ગેંગ ખાસ કરીને પૂનમ અને બીજ જેવા ધાર્મિક અવસરોએ મંદિરોમાં ઉમટતી ભક્તજનોની ભીડને નિશાન બનાવતી હતી. ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા ગુરુ આશ્રમ અને રાજસ્થાનના રણુજા મંદિર જેવા પવિત્ર સ્થળોએ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓના ગળામાંથી આ ટોળકી નજર ચૂકવીને સોનાની માળા, પેન્ડલ અને ચેઈન સેરવી લેતી હતી. આ ઉપરાંત, ST બસમાં ચઢતી વખતે થતી ધક્કામુક્કીનો લાભ લઈને મુસાફરોની રુદ્રાક્ષની માળા કે ચેઈન ચોરવામાં પણ આ ગેંગ સક્રિય હતી.

ટેકનિકલ સર્વેલન્સથી ભેદ ઉકેલાયો

ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલી અનેક ફરિયાદોને આધારે ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગેંગ સુનિયોજિત રીતે ભીડવાળા વિસ્તારોમાં જ સક્રિય રહે છે. બાતમીના આધારે પોલીસે જાળ બિછાવી ચાર આરોપીઓને દબોચી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ

જાજ્યા દંતાણી (રહે. નિકોલ, અમદાવાદ) 

સાગર દેવીપૂજક (રહે. ખોખરા, અમદાવાદ) 

જશોદાબેન દેવીપૂજક (રહે. પાટણ) 

ટીનીબેન દેવીપૂજક (રહે. પાટણ)

રૂ.11.18 લાખનો મુદ્દામાલ રિકવર

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 92 સોનાના હાર (નેકલેસ), 3 સોનાની ચેઈન, 1 સોનાનું પેન્ડલ અને અન્ય ધાર્મિક ઘરેણાં મળી કુલ રૂ. 11.18 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ દાગીના આગળની કાયદેસરની કાર્યવાહી માટે જે તે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર

ગુનાહિત ઈતિહાસ

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, જુગાર અને જાહેર અશાંતિ ફેલાવવા જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે. આરોપીઓએ રાજસ્થાનના રણુજા મંદિરે દર્શન કરવા ગયેલા બે શ્રદ્ધાળુઓના સોનાના ચેઈન ચોર્યા હોવાની કબૂલાત પણ કરી છે. હાલ આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button