અમદાવાદ: ‘અહીં કેમ બેઠા છો?’ કહીને બજરંગ દળના કાર્યકરોએ બે યુવકોને જાહેરમાં માર માર્યો, સામસામે પોલીસ ફરિયાદ | Ahmedabad News Viratnagar Bridge Bajrang Dal workers clash Viral video Nikol Police

Ahmedabad News: અમદાવાદના નિકોલમાં વિરાટનગર બ્રિજ પાસે બજરંગ દળના કાર્યકરો દ્વારા મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. ગેરેજ પર કામ અર્થે આવેલા લઘુમતી સમાજના બે યુવકો પર શંકા રાખીને બજરંગદળના કાર્યકરોએ જાહેરમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન કાર્યકરોએ પોલીસ સાથે પણ ગેરવર્તન કરી તેમને સ્થળ પરથી રવાના કરી દીધા હતા, જેના કારણે રસ્તા પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. મહત્વનું છે કે, ડીસીપીના જણાવ્યા અનુસાર, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
બાઈક લેવા આવ્યા હતા યુવકો
ગોમતીપુરમાં રહેતો અને MBBSનો અભ્યાસ કરતો આયમ અલી શેખ તેના મિત્ર સાથે બાઈક લેવા વિરાટનગર બ્રિજ પાસે આવ્યો હતો. ગેરેજ બંધ હોવાથી તેઓ ત્યાં બેઠા હતા, ત્યારે બજરંગ દળના કાર્યકરોએ તેમને અહીં કેમ બેઠા છો? તેમ કહી માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ રસ્તા પર બસ રોકીને વિરોધ પ્રદર્શન કરતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. અંતે નિકોલ પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદ નોંધી કેટલાક શખ્સોની અટકાયત કરી છે.

‘યુવતીઓની રેકી કેમ કરો છો’, કહી માર
મળતી માહિતી મુજબ, આયમઅલી અને તેનો મિત્ર નદીમ અંસારી એક્ટિવા લઈને ગેરેજ પર ગયા હતા. ગેરેજ બંધ હોવાથી તેઓ રાહ જોઈ રહ્યા હતા, તે સમયે બજરંગ દળના 7થી 8 કાર્યકરોએ આવીને તેમના મોબાઈલ ફોન ચેક કર્યા અને યુવતીઓની રેકી કરતા હોવાનું કહી માર માર્યો હતો.
પોલીસને રવાના કરી દીધી હોવાનો આરોપ
જે બાદ બે યુવકોએ 112 પર કોલ કરતા પોલીસ આવી હતી, પરંતુ કાર્યકરોએ પોલીસને પણ રકઝક કરી રવાના કરી દીધી હતી. આયમઅલીએ વિશાલ રાજપૂત, રવિન્દ્ર રાજપૂત અને સાહિલ ભદોરિયા સહિત અનેક અજાણ્યા વ્યક્તિઓને આરોપી તરીકે ના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે સામે પક્ષે બજરંગ દળે પણ યુવકો સામે હુમલાનો આક્ષેપ કરતી ફરિયાદ કરી છે. પોલીસે બાદમાં પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
નિકોલ પોલીસે પુષ્ટિ આપી છે કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની ઓળખ કરવા અને ઘટનાઓના ક્રમની ચકાસણી કરવા માટે વધુ પૂછપરછ ચાલી રહી છે.



