વડોદરાના મદનઝાંપા સહિતના વિસ્તારમાં ગેસ બિલની બાકી રકમની વસુલાત માટે વડોદરા ગેસ કંપની દ્વારા કાર્યવાહી | Vadodara Gas Company takes action to recover outstanding gas bill

![]()
Vadodara Gas Company : વડોદરા શહેરમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જે ગ્રાહકોના બે બિલ બાકી છે, તેવા ગ્રાહકોના ગેસ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત આજે શહેરના મદનઝાંપા રોડ, બકરાવાડી તથા આજુબાજુના વિસ્તારોમાં ગેસ કનેક્શન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેસ અધિકારી હર્ષ રાજની આગેવાની હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં નવાપુરા પોલીસ સ્ટેશનનો પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો, જેથી કાર્યવાહી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે.
આ પ્રસંગે ગેસ અધિકારીઓએ વિસ્તારના ગ્રાહકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગેસ બિલ સમયસર ભરી આપશો તો તે તમારા હિતમાં છે. બિલ બાકી રાખવાથી કનેક્શન કપાવાની નોબત આવે છે, જેનાથી ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ ગ્રાહકને ગેસ બિલ, કનેક્શન અથવા અન્ય કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો વડોદરા ગેસ લિમિટેડ દ્વારા તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે અને જરૂરી મદદ પણ કરવામાં આવશે.
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા તમામ ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે ગેસ બિલ બાકી ન રાખે અને સમયસર ચુકવણી કરી સહકાર આપે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.



