ચંડોળા-ઈસનપુર બાદ હવે વટવાનો વારો, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન શરૂ | Ahmedabad AMC Starts Major Encroachment Removal Drive at Vatva Lake

AMC Demolition In Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના તળાવોને દબાણમુક્ત કરવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. ચંડોળા અને ઈસનપુર બાદ આજે (20મી જાન્યુઆરી) વહેલી સવારથી વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તળાવની અંદર અને તેની આસપાસ ખડકાયેલા 400 જેટલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
મળતી માહિતી અનુસાર, વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી છે. ઝોન-6 પોલીસ સ્ટેશનના આશરે 500 જેટલા પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે અને AMCના 300થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર રહી મોનિટરિંગ કરી રહ્યા છે. આ દબાણો દૂર કરવા માટે 10 હિટાચી મશીન, 5 જેસીબી અને મોટી સંખ્યામાં મજૂરોની ટીમ કામે લગાડવામાં આવી છે.

આ મેગા ઓપરેશન માટે AMC દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં એસ્ટેટ વિભાગની કુલ 10 ટીમો કાર્યરત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ અગાઉ કોર્પોરેશન દ્વારા તમામ દબાણકર્તાઓને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા માટે કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં, કેટલાક રહીશો દ્વારા બાંધકામ દૂર ન કરાતા આખરે તંત્રએ જેસીબી અને બુલડોઝરની મદદથી તોડી પાડવાની ફરજ પડી હતી.

ઘર વિહોણા થનારા લોકો માટે વિશેષ વ્યવસ્થા
AMCએ આ વખતે ઘર વિહોણા થનારા લોકો માટે વિશેષ વ્યવસ્થા પણ કરી છે. કામગીરી દરમિયાન રહીશોને તેમનો સામાન ખસેડવા માટે AMTS બસો સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે. જે પરિવારો પાસે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા નથી, તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શેલ્ટર હોમમાં ખસેડવાની સુવિધા આપવામાં આવી છે. તંત્રના જણાવ્યાનુસાર, આ કામગીરી પૂર્ણ થવાથી તળાવની જળસંગ્રહ ક્ષમતા વધશે અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિમાં સુધારો જોવા મળશે.

કુલ 4 ફેઝમાં કામગીરી થશે
AMC દ્વારા આ સમગ્ર કામગીરીને વ્યવસ્થિત રીતે ચાર તબક્કામાં વહેંચવામાં આવી છે. ડિમોલિશનનો પ્રારંભ નૈયા મયંક સીઝનેબલ સ્ટોર પાસે રહેલા દબાણો હટાવીને કરવામાં આવ્યો હતો. ફિરદોસ મસ્જિદ સહિતના બે મુખ્ય ધાર્મિક સ્થાનો સિવાયના તમામ ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. દબાણો દૂર થયા બાદ આ તળાવને સરકારના પ્રોજેક્ટ હેઠળ ડેવલપ કરવામાં આવશે, જેથી ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થાય અને આસપાસના રહીશોને સુંદર પર્યાવરણ મળી રહે.



