નડિયાદ મનપા હસ્તકના ‘શ્રી કોમ્પ્લેક્સ’ની દુકાનો મૂળ ભાડૂઆતોએ વેચી મારી : તંત્રની ભેદી ચુપકીદી | The shops of Shri Complex were sold by the original tenants: The administration’s mysterious silence

![]()
– ઠરાવ થયાને 3 વર્ષ વીતવા છતાં ગેરકાયદેસર વેચાણ સામે કોઈ કાર્યવાહી નહીં
– ગ્રાઉન્ડ ફ્લોરની 1 થી 15 દુકાનો, ફર્સ્ટ ફ્લોરની 1 થી 7 ઓફિસો પાલિકાએ 1999 માં ભાડે આપી હતી, પાલિકાના જ રેકોર્ડ મુજબ દુકાન નંબર 12, 13, 14 અને 15 ના ભાડૂઆતોએ દુકાનો અન્ય શખ્સોને વેચાણથી આપી દીધી
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા હસ્તકની કરોડોની મિલકતો પર જે રીતે ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે તે જોતા વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના ટી.પી. સ્કીમ નંબર ૩માં આવેલા ‘શ્રી કોમ્પ્લેક્સ’માં પાલિકાની માલિકીની દુકાનો ભાડૂઆતોએ ત્રાહિત વ્યક્તિઓને વેચાણથી આપી દીધી હોવાનું ખુદ પાલિકાના દફતરના દસ્તાવેજોમાં નોંધાયેલું છે. સરકારી મિલકત વેચી દેવી એ ગંભીર ફોજદારી ગુનો હોવા છતાં, અધિકારીઓ સત્તાધીશો દ્વારા સામાન્ય સભામાં ઠરાવેલા એજન્ડા પર અમલવારી કરવા સુદ્ધા તૈયાર જણાતા નથી.
નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભામાં તારીખ ૩૦-૧૨-૨૦૨૨ના રોજ ઠરાવ નંબર ૬૭ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં ટી.પી. નંબર ૩, અંતિમ ખંડ નંબર ૩૧૮માં મહાનગરપાલિકા હસ્તકનું ‘શ્રી કોમ્પ્લેક્સ’ આવેલું છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોરની ૧થી ૧૫ દુકાનો અને ફર્સ્ટ ફ્લોરની ૧થી ૭ ઓફિસો પાલિકાએ વર્ષ ૧૯૯૯માં ભાડે આપી હતી. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, પાલિકાના રેકોર્ડ મુજબ દુકાન નંબર ૧૨, ૧૩, ૧૪ અને ૧૫ના મૂળ ભાડૂઆતોએ આ દુકાનો અન્ય શખ્સોને વેચાણથી આપી દીધી છે. નિયમ મુજબ પાલિકાની જગ્યા માત્ર ભાડાપટ્ટા પર અપાય છે, તેનો માલિકી હક બદલી શકાતો નથી. તેમ છતાં, ભાડૂઆતોએ સરકારી મિલકતને બારોબાર વેચી મારી છે. સામાન્ય રીતે કોઈ સરકારી જમીન કે મિલકત પર દબાણ કરે તો પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો દાખલ થતો હોય છે. અહીં તો સ્પષ્ટપણે પાલિકા સાથે છેતરપિંડી થઈ છે. ભાડૂઆતોએ પાલિકાની જાણ બહાર મિલકત વેચીને રોકડી કરી લીધી છે. તત્કાલિન ચીફ ઓફિસર અને હાલના ડે. કમિશ્નરના કાર્યકાળ દરમિયાન જ આ ઠરાવ થયો હતો, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે ‘દુકાનો વેચાણથી આપી દીધેલી છે’. તો સવાલ એ થાય છે કે આજદિન સુધી વેચાણ કરનાર અને ખરીદનાર સામે પોલીસ ફરિયાદ કેમ નથી થઈ? શું કોઈ રાજકીય દબાણ છે કે પછી અધિકારીઓની મિલીભગત? તે અંગે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
વર્ષ ૧૯૯૯ના ઠરાવથી આ દુકાનો ભાડે અપાઈ હતી. હાલમાં આ તમામ ૧થી ૧૫ દુકાનો અને ૧થી ૭ ઓફિસોની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ઠરાવ નંબર ૬૭માં સ્પષ્ટ આદેશ છે કે, ભાડે આપવા કરેલા ઠરાવો રદ કરવા અને તમામ દુકાનો/ઓફિસો ખાલી કરાવી કબજો પરત લેવો. છતાં ૨૦૨૨થી ૨૦૨૬ સુધીનો સમય વીતવા આવ્યો હોવા છતાં પાલિકાના અધિકારીઓ ‘શ્રી કોમ્પ્લેક્સ’ બાજુ હજુ ફરક્યા પણ નથી.
મંજૂરી વગર આડેધડ રિનોવેશન
‘શ્રી કોમ્પ્લેક્સ’નો મામલો માત્ર ગેરકાયદેસર વેચાણ પૂરતો સીમિત નથી, પરંતુ અહીં લોકોના જીવનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. આ કોમ્પ્લેક્સ અત્યંત જર્જરિત બની ગયું હોવાનું નજરે જોતા જ દેખાઈ રહ્યું છે. મુખ્ય દિવાલોમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે, જે તેના નબળા સ્ટ્રક્ચરની ચાડી ખાય છે. ગંભીર બાબત એ છે કે, જે ભાડૂઆતો અને ગેરકાયદેસર વેચાણ લેનારા શખ્સોે છે, તેમણે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની પૂર્વ મંજૂરી લીધા વિના જ દુકાનોમાં મોટાપાયે આંતરિક તોડફોડ અને રિનોવેશન કરી નાખ્યું છે. આડેધડ કરાયેલા ફેરફારોને કારણે બિલ્ડિંગના પાયા અને પિલર પર અસર થઈ હોવાની શક્યતા છે.
ભાડુ પણ નથી આવતું અને મિલકત પણ ગઈ!
એક તરફ ભાડૂઆતોએ દુકાનો વેચી મારી છે, તો બીજી તરફ વર્ષોેથી પાલિકામાં તેનું ભાડું પણ જમા થતું નથી. ઠરાવમાં ઉલ્લેખ છે કે ‘ભાડાની શરતોનો ભંગ થાય છે’. આમ, નગરપાલિકાને બેવડું નુકસાન થઈ રહ્યું છે. આથક નુકસાન અને મિલકતનું નુકસાન થતું હોવા છતાં, તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જે અનેક પ્રકારની શંકા પ્રેરે છે.
સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રીપોર્ટ કરાવાશે?
સરદાર ભુવન કોમ્પ્લેક્સની દુકાનોની માફક જો ‘શ્રી કોમ્પ્લેક્સ’નો તટસ્થ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવે તો આ ઈમારત વપરાશ માટે અત્યંત ભયજનક હોવાનું સામે આવી શકે તેમ છે. ત્યારે હવે મહાનગરપાલિકાનું પ્રશાસન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે કે પછી તાત્કાલિક ધોરણે રિપોર્ટ કરાવીને કાર્યવાહી કરશે? તે જોવું અત્યંત મહત્વનું બની ગયું છે.



