દવા પર એક્સપેરિમેન્ટ VSમાં કર્યા, નાણાં પ્રયોગ કરનારની પત્નીના ખાતાંમાં જમા થયા | V S Hospital scam

![]()
વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં અંધેર રાજ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર
અમદાવાદ શહેરની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં દવાના કરવામાં આવતા સંશોધનના અખતરાઓના બિલના નાણાં હોસ્પિટલના સ્ટાફની પત્નીના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા હોવાનું કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડના મુખ્યસૂત્રધાર ક્લિનિકલ ફાર્માકોલોજિસ્ટ દેવાંગ રાણા હોવાનું જાણવા મળી રહ્યું છે. અખતરાના પૈસા તેમની પોતાની પત્ની પ્રિયંકા રાણાના ખાતામાં જમા થયા છે.
તેમણે જ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પારુલ શાહને પત્ર લખીને ક્લિનિકલ ટ્રાયલ માટે યસ બેન્કના ખાતા નંબર ૦૧૦૧૫૦૭૦૦૦૦૩૭૦૨ ઓપરેટ કરવા દેવાની મંજૂરી માગી હતી. આ ખાતામાં ફર્સ્ટ એકાઉન્ટ હોલ્ડર પ્રિયંકા રાણા હતા. પારુલ શાહે નોટેડનો શેરો મારીને આ પત્ર પર સહી કરી આપી હતી. નવાઈની વાત તો એ છે કે ઉપરોક્ત ખાતું ઓપરેટ કરવા દેવા માટે મેયરની કે વી.એસ. હોસ્પિટલના ચેરમેનની મંજૂરી લેવામાં આવી જ નથી. તપાસ સમિતિના રિમાર્ક્સમાં જણાવવામાં આવ્યું છે કે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પારુલ શાહ ચકાસણી કર્યા વિના નોટેડનો શેરો મારીને પૂરતી વહીવટી ચકાસણી કર્યા વિના જ તથા વી.એસ. હોસ્પિટલમાં મંજૂરી માટે ન મૂકીને બેદરકારી દાખવી છે.
પારુલ શાહે આ બાબતમાં તેમને પૂરતી જાણકારી ન હોવાનું તપાસ સમિતિને જણાવ્યું હતું. પરંતુ તેમને નાણાંકીય ગેરરીતિ થઈ હોવાનો પત્ર મળતા ડૉ. દેવાંગ રાણાને ડિસેમ્બર ૨૦૨૪થી એક્સપર્ટ ફાર્માકોલોજિસ્ટના હોદ્દા પરથી છૂટા કરી દીધા હતા. પારુલ શાહે તપાસ સમિતિને જણાવ્યંએ છે કે દેવાંગ રાણાએ તેમને ગેરમાર્ગે દોરીને સહી કરવા દબાણ કર્યું હતું. દેવાંગ રાણાએ તેમને મંજૂરી માટે પુરાવા સાથેની કોઈ જ ફાઈલ આપી નથી.
છતાંય આઘાતજનક બાબત તો એ છે કે પારુલ શાહની વાતને માની લઈને તપાસ સમિતિએ પારુલ શાહની સંસ્થાની કામગીરીના નાણાં સ્ટાફની પત્નીના ખાતામાં જમા કરાવવાની છૂટ આપતી અતિ ગંભીર ભૂલને એક સામાન્યભૂલ ગણાવીને પારુલ શાહને આ કૌભાંડમાંથી બચાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કેસમાં તપાસ ચાલુ હોવા છતાં પારુલ શાહનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો નથી. તેઓ બે વાર વિદેશ પ્રવાસ કરી ચૂક્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કોર્પોરેશનના અધિકારી સામે વિજિલન્સ તપાસ ચાલુ થાય તો પણ વિદેશ જવાની છૂટ આપવામાં આવતી નથી.
અત્યારે મળી રહેલી માહિતી મુજબ આ અહેવાલ અત્યારે કમિશનરના ટેબલ પર પહોંચ્યો છે. પ્રિયંકા રાણાના ખાતામાં કેટલા પૈસા જમા થયા છે તેની વિગતો હજી સુધી જાહેર કરવામાં આવી નથી. દવાના રિસર્ચના કોન્ટ્રાક્ટ કરનારી કંપનીનું નામ પણ છુપાવવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિઓને ડામવા કમિશનર તત્કાળ પગલાં લે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. કારણ કે વાસ્તવમાં દેવાંગ રાણા સામે પોલીસ કેસ થવો જોઈએ, પરંતુ હજી સુધી પોલીસ કેસ કરવામાં આવ્યો ન હોવાનું જણાય છે.



