જૂનાગઢ PTS ગ્રાઉન્ડમાં કાલથી LRD ઉમેદવારોની શારીરિક કસોટી | Physical test of LRD candidates from tomorrow at Junagadh PTS ground

![]()
પ્રથમ દિવસે 700, બીજા દિવસે 1200 અને ત્યારબાદ રોજ 1600 ઉમેદવારો કસોટી આપશે
જૂનાગઢ, : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની જગ્યાઓમા ભરતી કસોટીની તૈયારીઓ શરૂ કરી છે. બુધવારથી શારીરિક કસોટીનો પ્રારંભ થશે. જૂનાગઢમાં પીટીએસ તાલીમ કેન્દ્ર ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ સુધીમાં અંદાજિત 41 હજાર ઉમેદવારો પ્રેક્ટીકલ પરીક્ષા આપશે. કસોટી પૂર્વે ઉમેદવારોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ડીવાયએસપી, પીઆઈ સહિત 150 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની તૈયારીઓ શરૂ કરી છે. જૂનાગઢ પીટીએસ ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક કસોટી યોજાશે. જેમાં રાજ્યભરના 41,000 યુવા ઉમેદવારો પોલીસમાં જોડાવાનું સપનું સાકાર કરવા ગુલાબી ઠંડીમાં દોટ લગાવશે. ભરતી પ્રક્રિયાની કસોટીમાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. સીસીટીવી નીગરાની હેઠળ સમગ્ર પ્રક્રિયા રેકોર્ડ કરવામાં આવશે. બુધવારે પ્રથમ દિવસે 700 ત્યારબાદ બીજા દિવસે 1200 અને ત્યાર પછી દૈનિક 1600 ઉમેદવારો કસોટી આપશે.
પીએસઆઇ અને એલઆરડીની શારીરિક કસોટી તૈયારીઓ સંદર્ભે એસપી ઠક્કર દ્વારા ગ્રાઉન્ડ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 21 જાન્યુઆરીથી 13 માર્ચ દરમ્યાન યોજાનાર શારીરિક કસોટી સંદર્ભે 2 ડીવાયએસપી, 2 પીઆઈ તથા 150 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. દોડ કસોટીમાં ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવામાં આવશે.



