નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, અટલ-અડવાણી જેવા દિગ્ગજોના પક્ષનું સુકાન હવે 45 વર્ષીય નેતાના હાથમાં | Nitin Nabin Elected Unopposed as BJP National President with Pan India Support

![]()
Nitin Nabin Becomes 12th BJP National President : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં નીતિન નબીન બિનહરીફ ચૂંટાયા છે. આજે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા થઈ હતી. જેમાં નીતિન નબીને ઉમેદવારી નોંધાવી હતી. તે સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તેઓ આવતીકાલે પ્રમુખ પદનો કાર્યભાર સંભાળશે.
વિવિધ રાજ્યોમાંથી નીતિન નબીનના નામને મળ્યું સમર્થન
ભારતના 30 રાજ્યોના પ્રદેશ પ્રમુખોની ચૂંટણી બાદ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પ્રમુખ પદ માટે નીતિન નબીનના પક્ષમાં 37 સેટ પ્રાપ્ત થયા. 36 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પરદેશો તથા 1 સેટ સંસદીય દળ તરફથી આપવામાં આવ્યું હતું. દરેક સેટમાં 20-20 પ્રસ્તાવકના હસ્તાક્ષર લેવાયા હતા.
કોણ છે નીતિન નબીન?
નોંધનીય છે કે નીતિન નબીન બિહારના ધારાસભ્ય છે અને વર્ષ 2010થી બાંકીપુર વિધાનસભા બેઠક પરથી સતત જીતી રહ્યા છે. અગાઉ તેઓ પટના પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી વિજયી થયા હતા. તેઓ ભાજપના 12મા રાષ્ટ્રીય પ્રમુખ બન્યા છે.
45 વર્ષીય નીતિન નબીન ભાજપના સૌથી યુવા અધ્યક્ષ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે. પી. નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ, બિહારના નેતા નીતિન નબીને ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેમની બિનહરીફ વરણી લગભગ નક્કી છે. જો કે, નીતિન નબીનના નામની સત્તાવાર જાહેરાત 20 જાન્યુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કરાશે. 45 વર્ષીય નીતિન નબીન ભાજપના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. અગાઉ આ રૅકોર્ડ અમિત શાહ (49 વર્ષ) અને નીતિન ગડકરી(52 વર્ષ)ના નામે હતો.
ભાજપની સ્થાપનાના 45 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કુશાભાઉ ઠાકરે, બંગારુ લક્ષ્મણ જેવા 11 દિગ્ગજોએ આ કમાન સંભાળી ચૂક્યા છે. એ રીતે પણ નીતિન નબીનનું રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું ખૂબ મહત્ત્વનું છે.
યુવા નેતાને પક્ષનું સુકાન સોંપીને જેન-ઝીને આકર્ષવાનો પ્રયાસ
ભાજપે એક કાયસ્થ જ્ઞાતિના યુવા નેતાને ટોચનું પદ આપીને એવો સંદેશ આપ્યો છે કે, ભાજપમાં જ્ઞાતિના સમીકરણો કરતાં સંગઠનાત્મક ક્ષમતા અને કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ અપાય છે. નીતિન નબીનના નામનો પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓએ મૂક્યો છે, જે પક્ષમાં તેમના વધતા કદ અને વિશ્વાસને દર્શાવે છે.
બિહારના પહેલા ભાજપ નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ
ભાજપે ડિસેમ્બરમાં નીતિન નબીનને ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનાવીને સૌને ચોંકાવી દીધા હતા. પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નવીને અગાઉ યુવા મોરચામાં પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં સહ-પ્રભારી તરીકે તેમની વ્યૂહનીતિના કારણે જ ભાજપ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામાં સફળ રહ્યો હતો. આ સફળતાના ફળસ્વરૂપે તેમને આ સર્વોચ્ચ પદ મળ્યું છે. નોંધનીય છે કે, નીતિન નબીન બિહાર ભાજપના પહેલા નેતા અને પહેલા કાયસ્થ નેતા છે, જેમને ભાજપનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ મળ્યું છે.
પાંચ રાજ્યોની ચૂંટણી નીતિન નબીન માટે અગ્નિપરીક્ષા
જો કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા જ નીતિન નબીન સામે પાંચ રાજ્યોની ચૂંટણી અને 2029ની લોકસભાની તૈયારી સહિતના મોટા પડકારો પણ છે. નીતિન નબીને એવા સમયે ભાજપનું સુકાન સંભાળ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણીઓ યોજાવાની છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ગઢને તોડવો અને કેરળ-તમિલનાડુમાં ભાજપનું ખાતું ખોલાવવું એ તેમના માટે સૌથી મોટી કસોટી હશે. આસામમાં પણ સત્તા જાળવી રાખવા માટે ભાજપે 126માંથી 100 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે, જ્યાં કોંગ્રેસના આઠ પક્ષના ગઠબંધન સામે ટક્કર છે.
જાતિગત વસ્તી ગણતરી અને અનામતનું રાજકારણ
દેશમાં આઝાદી પછી પ્રથમ વખત જાતિગત વસ્તી ગણતરી થઈ રહી છે, જેના પરિણામો દેશના રાજકારણની દિશા બદલી શકે છે. ઓબીસી અને અન્ય જ્ઞાતિઓના નવા સમીકરણો સાથે ભાજપને તાલ મિલાવવો પડશે. આ ઉપરાંત, વસ્તી ગણતરી બાદ બેઠકોનું સીમાંકન (Delimitation) અને મહિલાઓ માટે 33% અનામતનો અમલ પણ નીતિન નબીનને સોંપાયેલી મહત્ત્વની જવાબદારી છે.
મિશન 2029: યુપીમાં ‘પીડીએ’નો તોડ શોધવો પડશે
નીતિન નબીન સામે સૌથી મોટો લક્ષ્યાંક 2029ની લોકસભા ચૂંટણી છે. 2024માં ભાજપ 400ના લક્ષ્યાંકથી દૂર રહી હતી. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સપાના ‘PDA’ (પછાત, દલિત, અલ્પસંખ્યક) સમીકરણને કારણે મોટું નુકસાન થયું હતું. નવી સીમાંકન પ્રક્રિયા અને મહિલા અનામત સાથે બદલાયેલા રાજકીય માહોલમાં ભાજપને ફરી પૂર્ણ બહુમતી અપાવવી એ નવા અધ્યક્ષ માટે સૌથી મોટો પડકાર સાબિત થશે.


