‘નાસભાગ કરાવી મને મારી નાખવાનું કાવતરું હતું…’, અનશન વચ્ચે શંકરાચાર્યનો ગંભીર આરોપ | Shankaracharya alleges plot boycotts Mauni Amavasya bath in Prayagraj after clash with police

![]()
Shankaracharya protest : મૌની અમાસના પવિત્ર દિવસે પ્રયાગરાજના સંગમ તટ પર જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા હતા, ત્યાં એક મોટો વિવાદ સર્જાયો. પાલખીમાં બેસીને સંગમ સ્નાન કરવા જઈ રહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને પ્રશાસને રોકતા ભારે હોબાળો મચી ગયો. શંકરાચાર્યના સમર્થકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી ખેંચતાણ અને ધક્કા-મુક્કી બાદ, શંકરાચાર્ય સ્નાન કર્યા વિના જ પાછા ફર્યા અને આમરણાંત ઉપવાસ પર બેસી ગયા.
શું છે સમગ્ર વિવાદ?
રવિવારે સવારે લગભગ 9:47 વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર, જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા રોક્યા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી. આનો તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા. મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ ગયા.
‘મારી હત્યાનું ષડયંત્ર હતું’ – શંકરાચાર્યનો ગંભીર આરોપ
આ ઘટનાથી નારાજ થઈને શંકરાચાર્યએ તેમના શિબિર બહાર ધરણા શરુ કરી દીધા અને સૂર્યાસ્ત બાદ મૌન વ્રત ધારણ કરીને આમરણાંત ઉપવાસ શરુ કર્યા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો કે પોલીસે ભાગદોડ મચાવીને તેમને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં સુધી અપમાન કરનાર અધિકારીઓ તેમને સમ્માન પાછા સ્નાન માટે નહીં લઈ જાય ત્યાં સુધી તેઓ સ્નાન નહીં કરે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસે તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરિ સહિત ઘણા સંતોને માર માર્યો હતો અને તેમના વાળ પકડીને ખેંચ્યા હતા.
પ્રશાસનનો પક્ષ: ‘પરંપરા વિરુદ્ધ અને મંજૂરી વિના આવ્યા હતા’
બીજી તરફ, મંડલાયુક્તે કહ્યું કે અમાસની ભીડને કારણે સંગમ વિસ્તારને ‘નો વ્હીકલ ઝોન’ જાહેર કરવામાં આવ્યો હતો. તેમના મતે, શંકરાચાર્ય પરંપરા વિરુદ્ધ અને કોઈ પણ મંજૂરી વિના લગભગ 200 અનુયાયીઓ સાથે પાલખી પર સવાર થઈને આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે શંકરાચાર્યના સમર્થકોએ બેરિયર તોડીને લગભગ ત્રણ કલાક સુધી વાપસીનો માર્ગ અવરોધિત કર્યો, જેનાથી સામાન્ય જનતાને ભારે અસુવિધા થઈ અને કોઈ મોટી દુર્ઘટના ઘટી શકતી હતી.
છત્ર તૂટ્યું, એકલા ઊભા રહ્યા શંકરાચાર્ય
આ ધક્કા-મુક્કી દરમિયાન શંકરાચાર્યનું છત્ર પણ તૂટી ગયું હોવાનો આરોપ છે, જેનું તેમના માટે ખૂબ જ મહત્ત્વ હોય છે. લગભગ અડધો કલાક સુધી શંકરાચાર્ય પાલખી પર એકલા ઊભા રહ્યા, ત્યારબાદ તેમના સમર્થકો તેમને શિબિર સુધી લઈ ગયા. આ સમગ્ર વિવાદને કારણે માઘ મેળામાં તણાવનો માહોલ છે.



