પરિસ્થિતિ સરળ બને ત્યારે જૂની પેઢીએ ખસી જવું જોઈએ : ગડકરી | Older generation should move out when situation eases: Gadkari

![]()
– યુવા પેઢીને જવાબદારી આપવા કેન્દ્રીય મંત્રીની અપીલ
નાગપુર: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નેતાગીરીમાં પેઢીગત ફેરફારની જરૂર પર ભાર મુકીને યુવા પેઢીને વધુ જવાબદારી લેવાની તેમજ એકવાર સીસ્ટમ સરળતાથી ચાલે પછી વરિષ્ઠોને પાછા હટી જવાની અપીલ કરી. નાગપુરમાં બોલતા તેમણે જણાવ્યું કે આવું પરિવર્તન સતત વિકાસ અને નવીનીકરણ માટે જરૂરી છે જેમાં અનુભવી નેતાઓ માર્ગદર્શક તરીકે કામ કરે જ્યારે નવા વિચારો પ્રગતિને આગળ વધારી શકે.
ગડકરી એડાવન્ટેજ વિદર્ભ-ખાસદાર ઔદ્યોગિક મહોત્સવ પર એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા જે પહેલની તેમણે જ કલ્પના કરી હતી અને જેનું આયોજન એસોસિયેશન ફોર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ (એઆઈડી)ના પ્રમુખ આશિષ કાલેએ કર્યું હતું. પહેલમાં યુવા પેઢીને સામેલ કરવા બાબતે કાલેની પ્રશંસા કરતા ગડકરીએ જણાવ્યું કે નેતાગીરીએ સમય સાથે વિકસવું જોઈએ. રૂપકનો ઉપયોગ કરીને તેમણે જણાવ્યું કે એકવાર વિકાસનું વાહન સરળતાથી દોડવા લાગે પછી વરિષ્ઠોએ પાછા હટીને નવી ભૂમિકા અપનાવવી જોઈએ.
એઆઈડીના મુખ્ય મેન્ટર તરીકે ગડકરીએ નોંધ કરી કે એડવાન્ટેજ વિદર્ભ એક્સપો હવે તેના ત્રીજા વર્ષમાં છે અને ૬થી ૮ ફેબુ્રઆરી દરમ્યાન નાગપુરમાં યોજાશે. તેમણે સમગ્ર વિદર્ભના બહુવિધ ક્ષેત્રોના સક્ષમ ઉદ્યોગસાહસિકોની મજબૂત હાજરી પ્રત્યે ધ્યાન દોર્યું. તેમણે જણાવ્યું કે ત્રણ દિવસીય કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતના ઔદ્યોગિક નકશામાં ઊભરતા વિકાસ કેન્દ્ર તરીકે વિદર્ભની છબી મજબૂત કરવાનો છે.
સંતુલિત ક્ષેત્રીય વિકાસ પર ભાર મુકતા ગડકરીએ જણાવ્યું કે સેવા ક્ષેત્ર સાથે ઉદ્યોગ, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો તમામ પ્રગતિના મહત્વના સ્તંભો છે. એક્સપોમાં ટેક્સટાઈલ્સ, પ્લાસ્ટિક્સ, ખનિજ, કોલસો, એવિયેશન, લોડિજિસ્ટિક્સ, આઈટી, હેલ્થકેર, ફાર્માસ્યુટીકલ્સ, સંરક્ષણ, રિયલ એસ્ટેટ, રિન્યુએબલ ઊર્જા અને સ્ટાર્ટઅપ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાંથી ભાગીદારી નોંધાઈ હતી જેમાં વિદર્ભની વધતી ઔદ્યોગિક ક્ષમતાનું પ્રતિબિંબ પડતું હતું.



