દસાડાના સુરેલમાં ધારાસભ્ય પી.કે. પરમારનો ગ્રામજનોએ ઉઘડો લીધો | Villagers unmask MLA P K Parmar in Surel Dasada

![]()
– ‘ચૂંટણી જીત્યા પછી હવે દેખાયા, ફોટો પડાવવા આવો છો’
– સુરેલ ગામમાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા ગ્રામજનોમાં ધારાસભ્ય અને તંત્ર સામે તીવ્ર અસંતોષ
પાટડી : દસાડા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય પી.કે. પરમાર સામે ફરી એકવાર જનતાનો ભારે રોષ જોવા મળ્યો છે. પાટડી તાલુકાના સુરેલ ગામમાં નવનિમત પંચાયત ઘરના લોકાર્પણ પ્રસંગે ગયેલા ધારાસભ્યનો એક જાગૃત નાગરિકે ભરી સભામાં ઉધડો લીધો હતો.
ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય ક્યારેય ગામની મુલાકાતે આવ્યા નથી અને હવે માત્ર ફોટા પડાવવા માટે લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સભા દરમિયાન જ્યારે નાગરિકે પ્રશ્નો પૂછયા, ત્યારે ધારાસભ્યના ખાસ ગણાતા સ્થાનિક આગેવાન જેઠાભાઈ સોમેશ્વરાએ પ્રશ્ન પૂછનાર વ્યક્તિને ધક્કા મારી બહાર કાઢવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો.
સુરેલ ગામ સહિત દસાડા પંથકમાં ખેડૂતો અને સામાન્ય જનતામાં પ્રાથમિક સુવિધાઓને લઈને તીવ્ર અસંતોષ છે. ગ્રામજનોનું કહેવું છે કે જે કામો અગાઉના શાસનમાં મંજૂર થતા હતા, તે જ રૂટિન કામો અત્યારે થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિક જમીની પ્રશ્નો ઉકેલાતા નથી. દસાડા વિધાનસભામાં અવારનવાર ધારાસભ્યનો વિરોધ સત્તા પક્ષના કાર્યકરો અને જનતા દ્વારા થઈ રહ્યો છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે લોકરોષની આ ઘટનાની સીધી અસર ચૂંટણી પરિણામો પર પડી શકે છે તેવી રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા છે. વારંવાર થતા વિરોધને કારણે ધારાસભ્યની લોકપ્રિયતા પર પણ સવાલો ઉભા થયા છે.

