राष्ट्रीय

મોરિશિયસ મારફતે ભારતમાં રોકાણ મુદ્દે વૈશ્વિક ઇન્વેસ્ટરોમાં ફફડાટ | Global investors are hesitant about investing in India via Mauritius



– ટાઈગર ગ્લોબલ કેસમાં સુપ્રીમના ઐતિહાસિક કર ચુકાદાની અસર

– સુપ્રીમના ચૂકાદાથી કર વિભાગને વધુ સત્તા મળશે અને ભૂતકાળના અનેક વ્યવહારોની પુનઃચકાસણીની શક્યતા

નવી દિલ્હી: વિદેશી રોકાણકારોએ મોરિશિયસ જેવા ટેક્સ હેવન મારફતે દાયકાઓથી ભારતમાં અંદાજે ૧૮૦ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. પરંતુ ટાઈગર ગ્લોબલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના તાજેતરના ઐતિહાસિક ચુકાદાએ વૈશ્વિક રોકાણકારોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ચૂકાદા સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેબી પારડીવાલાએ સરકાર સમક્ષ સંધીઓ અને આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ માટે સેફગાર્ડ પણ આપ્યા હતા. આ ચૂકાદો ભારતમાં મર્જર એન્ડ એક્વિઝિશન (એમએન્ડએ) તેમજ રોકાણના માળખામાં મોટો ફેરફારના સંકેતો આપ્યા છે.

સુપ્રીમ કોર્ટએ ગુરુવારે ટાઇગર ગ્લોબલ સામે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું કે ૨૦૧૮માં ટાઇગર ગ્લોબલે ફ્લિપકાર્ટમાંથી વેચેલા તેના ૧.૬ અબજ ડોલરના હિસ્સા પર ભારત સરકારને કર વસૂલવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત સરકારે સાબિત કર્યું છે કે ટાઇગર ગ્લોબલે માત્ર કર ટાળવાના હેતુથી ‘કન્ડયુઇટ’ તરીકે મોરિશિયસમાં આવેલા તેના એકમોનો ઉપયોગ કર્યો હતો, જે કર ટાળવા માટેની અયોગ્ય વ્યવસ્થા ગણાય છે.

ટાઇગર ગ્લોબલે આ આરોપો તેમજ તેના માળખાં અંગે ભારતની રજૂઆતને નકારી હતી અને કહ્યું કંપનીએ ભારત-મોરિશિયસ દ્વિપક્ષીય ટેક્સ કરાર હેઠળ કાયદેસર કરલાભ મેળવ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર મોરિશિયસનું ટેક્સ રેસિડન્સી સટફિકેટ હોવું જ ત્યાં વાસ્તવિક વ્યાપારિક હાજરીનો પુરાવો નથી. જો વ્યવહાર પાછળ સાચો વ્યાપારિક હેતુ ન હોય અને માત્ર કર ટાળવા માટે માળખું ઊભું કરાયું હોય, તો ભારતીય ટેક્સ અધિકારીઓ સંધિ હેઠળના લાભ નકારી શકે છે. કંપનીએ આ ચુકાદા પર કોઈ ટિપ્પણી કરી નથી. 

જોકે, સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો ભારતમાં વર્ષોથી ચાલી આવતી આક્રમક કર આયોજન અને રોકાણની પદ્ધતિઓને ઉથલાવી નાંખી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે જનરલ એન્ટી અવોઇડન્સ રૂલ હેઠળ કર વિભાગને વધુ સત્તા મળશે અને ભૂતકાળના અનેક વ્યવહારો પર પણ પુનઃચકાસણીની શક્યતા ઊભી થઈ છે, જેમાં આ સંધિનો લાભ લેવાયો હતો.  હવે ઘરેલુ કાયદા હેઠળ કર અધિકારીઓ નકલી વ્યાપાર માળખાં દ્વારા લેવાયેલા અને ખોટી રીતે દાવો કરાયેલા સંધિ લાભોને રદ કરી શકશે. 

૨૦૧૭માં સુધારાયેલી ભારત-મોરિશિયસ સંધિમાં ૨૦૧૭ પહેલાંના રોકાણોને ‘ગ્રાન્ડફાધરિંગ’ સુરક્ષા આપવામાં આવી હતી, પરંતુ તાજેતરના ચુકાદા બાદ આ સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે.  મીડિયા અહેવાલો મુજબ સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ યુરોપ અને અમેરિકા સ્થિત રોકાણકારોની ચિંતા વધી ગઈ છે અને તેઓ ૧૫૨ પાનાના આ ઐતિહાસિક ચુકાદાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોકાણકારો ભૂતકાળમાં કરાયેલા રોકાણોમાંથી બહાર નીકળતી વખતે શું થશે તેની ચિંતા સાથે શ્વાસ રોકી રાખશે.

વકીલો અને ટેક્સ સલાહકારોના જણાવ્યા અનુસાર યુરોપ અને અમેરિકા પરથી અનેક રોકાણકારો આ ૧૫૨ પાનાના ચુકાદાને લઈને ચિંતિત છે. ટેક્સ ક્ષેત્રે અનિશ્ચિતતા ભારત માટે અગાઉ પણ વિવાદનો મુદ્દો રહી છે. વોક્સવેગન સામે ૧.૪ અબજ ડોલરની બાકી કર માંગ અને વોડાફોન કેસ જેવી ઘટનાઓ બાદ હવે આ ચુકાદો રોકાણકારોના વિશ્વાસને અસર કરી શકે છે. 

સુપ્રીમ કોર્ટના આદેશથી ટેક્સ ઓથોરિટીને વધુ તાકત મળી છે, જ્યારે રોકાણકારો સૌથી વધુ જે ઈચ્છે છે તે નિશ્ચિતતા છે. જોકે, સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ટેક્સ કરારોનો અર્થ ટેક્સના દુરુપયોગને પ્રોત્સાહન આપવો નથી. આ ચુકાદા બાદ ભારતમાં વિદેશી રોકાણના ભવિષ્ય અને ટેક્સ માળખા અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.

જોકે, ભારતના અધિક સોલિસિટર જનરલ એન. વેંકટરમણે કહ્યું કે, આ ચૂકાદાની રોકાણ પર અસર થશે તેવા દાવા માત્ર ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે, કારણ કે આવા સોદા માત્ર કેપિટલ ગેઈન ટેક્સ પર નહીં પરંતુ અનેક પરિબળોના આધારે થાય છે.

– મોરેશિયસ સાથે 1982માં થઈ

– મોરેશિયસ સંધિથી ભારતમાં 180 અબજ ડોલરનું રોકાણ આવ્યું

નવી દિલ્હી: ભારત-મોરિશિયસ સંધિ ૧૯૮૨માં પ્રથમ વખત થઈ હતી અને આ સંધિએ ભારતમાં રોકાણ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, કારણ કે તેમાં મળતા ટેક્સ લાભોને કારણે રોકાણકારોએ મોરિશિયસમાં એકમો સ્થાપી ભારતમાં નાણાં પ્રવાહિત કર્યા હતા. 

આ સંધિ વિવાદાસ્પદ હતી અને વારંવાર અદાલતોમાં પડકારવામાં આવી, છતાં રોકાણો સતત આવતા રહ્યા. ભારતીય સરકારના આંકડા મુજબ ૨૦૨૩ સુધીમાં મોરિશિયસથી આવેલું વિદેશી રોકાણ સૌથી વધુ ૧૭૧ અબજ ડોલર જેટલું હતું, જે આ સમયગાળામાં ભારતમાં કુલ રોકાણ પ્રવાહનો ચોથો ભાગ છે.

મોરેશિયસ સાથેની સંધિ હેઠળ વિદેશી રોકાણકારો અસરકારક શૂન્ય-ટેક્સ વ્યવસ્થાનો લાભ લેતા હતા. આ વ્યવસ્થામાં મોરિશિયસ આધારિત રોકાણકારો દ્વારા ભારતમાં શેર વેચાણ પર માત્ર મોરિશિયસમાં કર લાગતો હતો, જ્યાં દર શૂન્ય હતો. એટલે કે ભારતમાં શેરના વેચાણથી કંપનીઓએ થયેલા લાભ પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નહોતો.



Source link

Related Articles

Back to top button