થાઇલેન્ડથી બાયએરવડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશઃ સુરતનો કેવીન પકડાયો | Network of supplying hybrid cannabis from Thailand to Vadodara busted

![]()
વડોદરાઃ થાઇલેન્ડથી વડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં વડોદરા એસઓજીને સફળતા મળી છે.પોલીસે દોઢ વર્ષથી જુદાજુદા સ્થળે ગાંજો સપ્લાય કરનાર કેવીનને એરપોર્ટ પર આવતાં જ ઝડપી પાડી રિમાન્ડ માટે તજવીજ કરી છે.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં શકીલાપાર્કમાં રહેતો આદીબ પટેલ ડિસેમ્બર-૨૦૨૪માં રૃ.૨૨ લાખના ગાંજા સાથે પકડાયો હતો.જેથી એસઓજીએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આદીબને મદદ કરનાર તેના પિતા અબ્દુલની પણ ધરપકડ કરી હતી.
પોલીસની તપાસ દરમિયાન હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સુરતનો વિવેક ત્રિવેદી અબ્દુલને આપી ગયો હોવાની માહિતી બહાર આવતાં વિવેકને પણ કાર સાથે ઝડપી પાડી રૃ.૨.૫૦ લાખ રીકવર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાંદલજાના અબ્દુલ અને સુરતના વિવેક ત્રિવેદી વચ્ચે સંપર્ક કરાવનાર નિરજ ટોનીને પોલીસે ઝડપી પાડયો હતો.
વિવેક ત્રિવેદી પાસે ગાંજો થાઇલેન્ડથી આવતો હોવાની વિગતો મળતાં પોલીસ ચોંકી હતી.પોલીસ કમિશનરે આ મુદ્દે એસઓજીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.ત્યારબાદ તપાસમાં થાઇલેન્ડથી વિમાન મારફતે દોઢ વર્ષથી ગાંજો આવતો હોવાની વિગતો ખૂલતાં પોલીસે ગાંજાના સપ્લાયર કેવીન નિલેશભાઇ ખેની(વાસ્તુકલા એપાર્ટમેન્ટ,સિંગણપુર, ડભોલી રોડ,કતાર,સુરત મૂળરહે.પરવડી ગામ,ગારીયાધર,ભાવનગર અને હાલ રહે. બેંગકોક) માટે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી હતી.
ઉત્તરાયણ પહેલાં કેવીન કોલકત્તા એરપોર્ટ પર આવતાં જ સુરક્ષા એજન્સીએ તેને ઝડપી પાડી વડોદરા પોલીસને જાણ કરી હતી.કેવીનને અમદાવાદ એરપોર્ટ પરથી વડોદરા લવાયો હતો.
કેવીન હાઇક્વિક સોસાયટી-૨૮ કેફેના નામે દોઢવર્ષથીગાંજાનું નેટવર્ક ચલાવતો હતો
હાઇબ્રિડ ગાંજાનો વિદેશથી સપ્લાયના જવલ્લે જ જોવા મળતા કેસની તપાસ દરમિયાન થાઇલેન્ડમાં રહેતો કેવીન હાઇક્વિક સોસાયટી-૨૮ કેફેના નામે ગાંજાનું નેટવર્ક ચલાવતો હોવાની માહિતી પોલીસને મળી છે.આ નામે જ તે ગાંજાનું પાર્સલ મોકલતો હોવાનું પણ મનાય છે.જેથી તે ક્યાંક્યાં સપ્લાય કરતો હતો અને ભારતમાં તેના એજન્ટ કોણ કોણ છે તે મુદ્દે એસઓજીના પીઆઇ એસડી રાતડાએ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
વડોદરામાંથી પકડાયેલા હાઇબ્રિડ ગાંજાના નેટવર્કની તવારીખ
* તા.૨૩-૧૨-૨૦૨૪ઃ તાંદલજાનો આદીબ પટેલ ૨૨ લાખના ગાંજા સાથે પકડાયો
* તા.૨૪-૧૨-૨૦૨૪ઃ આદીબની પૂછપરછ બાદ તેના પિતા અબ્દુલની ધરપકડ
* તા.૬-૧-૨૦૨૫ઃ અબ્દુલને કારમાં ગાંજો આપી જનાર સુરતનો વિવેક ત્રિવેદીની ધરપકડ
* તા.૨-૧૧-૨૨૫ઃ અબ્દુલ અને વિવેક ત્રિવેદી વચ્ચે મુલાકાત કરાવનાર નિરજ ઉર્ફે ટોની નિશિથ ચૌધરી(સનશ્રેય રેસિડેન્સી,વેસુ સુરત)ની ધરપકડ
* તા.૧૩-૧-૨૦૨૫ઃ થાઇલેન્ડથી વિવેકને ગાંજો મોકલનાર કેવીન પકડાયો



