પાનમ સિંચાઇ યોજનાના નિવૃત્ત ઇજનેરનો ૩૩.૯૩ લાખનો ભ્રષ્ટાચાર | curruption from panam yojnas retired ingineer

![]()
ગોધરા, તા.૧૮ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પાનમ સિંચાઈ વિભાગ નં.૩ના તત્કાલિન નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-૨ના નિવૃત્ત અધિકારી સ્નેહલ જસવંતલાલ શાહે પોતાની ફરજ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર આચરીને મોટી રકમ ઘરભેગી કરીને મિલકતો વસાવી હોવાનું એસીબીની તપાસમાં બહાર આવતા એસીબીએ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.૩, ગોધરા ખાતે વર્ગ-૨માં અગાઉ ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર સ્નેહલ જશવંતલાલ શાહ(રહે.કાર્તિકેય સોસાયટી, સૈયદ વાસણારોડ, વડોદરા) તા.૧ એપ્રિલ ૨૦૦૪ થી તા.૩૧ માર્ચ ૨૦૧૫ દરમિયાન ફરજ બજાવતા હતા તે સમય પસંદ કરીને એસીબીએ તેમની આવક અને ખર્ચની વિગતો મેળવી હતી. એસીબીની લાંબી તપાસ દરમિયાન સ્નેહલ શાહે પોતાની કાયદેસરની આવકની સરખામણી સામે રૃા.૩૩.૯૩ લાખ જેટલી અપ્રમાણસર મિલકત ઊભી કરી હોવાનું જણાયું હતું.
પાનમ યોજનાના ઇજનેરે પોતાની સરકારી ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદે રીતે આવક મેળવી, વિવિધ રીતરસમો અપનાવી અને ગુનાઇત ગેરવર્તન આચરી મિલકત એકત્ર કરી હતી. તપાસ મુજબ તેમની કુલ આવકની સામે અંદાજે ૪૭.૮૮ ટકા જેટલી વધુ અપ્રમાણસર મિલકત હોવાનું જણાયું હતું.
પંચમહાલ એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યા બાદ આવક, ખર્ચ અને મિલકતના ોતોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. સ્નેહલ શાહ હાલ નિવૃત્ત થઈ વડોદરા ખાતે સ્થાયી થયા છે.



