गुजरात

SOU ઇ-બસ હડતાળ યથાવત્: ‘પગાર સ્લીપ 22 હજારની અને હાથમાં 15 હજાર કેમ?’ ચૈતર વસાવાએ કંપનીનો ભાંડો ફોડ્યો | SOU E Bus Strike Continues: Chaitar Vasava Exposes Pay Cut Claims of Drivers



SOU E-Bus Strike Continues: સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની જીવાદોરી સમાન ઇલેક્ટ્રિક બસના 127 જેટલા ડ્રાઇવરો છેલ્લા 6 દિવસથી હડતાળ પર છે. પગાર વધારા અને શોષણના વિરોધમાં ચાલી રહેલી આ લડતમાં હવે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝંપલાવ્યું છે. ચૈતર વસાવાએ હડતાળ પર બેસીને બસ સંચાલકોને ચીમકી આપી છે કે, ‘આદિવાસીઓનું શોષણ ચલાવી લેવામાં નહીં આવે.’

બહારની કંપનીઓ સ્થાનિકોનું શોષણ કરે છે: ચૈતર વસાવા

આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જે લોકોએ પોતાની જમીનો આપી છે, આજે તેમનું જ શોષણ થઈ રહ્યું છે. તેમણે પગાર સ્લીપના પુરાવા રજૂ કરતા જણાવ્યું કે, ‘પગાર સ્લીપ 22,987 રૂપિયાની બને છે અને હાથમાં માત્ર 15,000 રૂપિયા આપવામાં આવે છે.’ 

ચર્ચા દરમિયાન જ્યારે બસ સંચાલકે એક મહિનાનો સમય માંગ્યો, ત્યારે ચૈતર વસાવાએ રોષે ભરાઈને કહ્યું હતું કે, ‘તારી હોશિયારી તારી પાસે રાખ, આ લોકોના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ લાવ. જો ન્યાય નહીં મળે તો આખું ગુજરાત જ નહીં પણ આજુબાજુના રાજ્યોમાંથી પણ લોકો ઉમટી પડશે.’

આ પણ વાંચો: સુરતમાં બસ અધવચ્ચે ઊભી ના રાખતા મહિલાએ ડ્રાઈવરને લાફા ઝીંક્યા, માથામાં મોબાઈલ માર્યો; ઘટના CCTVમાં કેદ

પ્રવાસીઓની હાલત કફોડી, ચેકપોસ્ટો ખુલ્લી મૂકાઈ

ઉત્તરાયણ પર્વના સમયથી જ ઇ-બસોના પૈડાં થંભી જતાં પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એસઓયુની ટિકિટ લીધી હોવા છતાં પ્રવાસીઓને ખાનગી વાહનોમાં મોંઘા ભાડા ખર્ચીને સ્થળ પર પહોંચવું પડી રહ્યું છે. બસ સેવા ખોરવાતા તંત્રએ મજબૂરીમાં તમામ ચેકપોસ્ટો ખુલ્લી મૂકી દીધી છે. જે ખાનગી વાહનોનું ચાર જગ્યાએ ચેકિંગ થતું હતું, તેમને આજે કોઈ પણ રોકટોક વગર પ્રવેશ અપાઈ રહ્યો છે.

તંત્રના પ્રયાસો નિષ્ફળ

બે-ત્રણ મહિનાથી પગાર ન થવો અને ઓછો પગાર મળવો જેવી ફરિયાદો સાથે ડ્રાઇવરો મક્કમ છે. તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો ચાલુ છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લેખિતમાં પગાર વધારાની બાંહેધરી નહીં મળે ત્યાં સુધી હડતાળ સમેટવામાં નહીં આવે.





Source link

Related Articles

Back to top button