‘મર્ડર-2’ ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી હડકંપ | Goa Crime Shock: Arrest Reveals Brutal Case Involving Two Russian Women

![]()
Goa Crime News: પ્રવાસીઓના સ્વર્ગ ગણાતા ગોવામાં એક રશિયાના નાગરિકની ધરપકડ બાદ ઘટસ્ફોટ થયો છે. 37 વર્ષીય એલેક્સી લિયોનોવે બે રશિયન મહિલાઓની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની કબૂલાત કરતા હડકંપ મચી ગયો છે. ફિલ્મી પેટર્ન મુજબ હાથ બાંધીને ગળું કાપીને હત્યા કર્યાની આ ઘટનાએ પોલીસને પણ સ્તબ્ધ કરી દીધી છે.
કેવી રીતે પકડાયો સીરીયલ કિલર?
અહેવાલો અનુસાર, ગોવાના અરમ્બોલ વિસ્તામાં એક રૂમમાંથી એલેક્સી લિયોનોવ સાથે લિવ-ઇનમાં રહેતી એલેના કસ્થનોવાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાનું ગળું કાપેલું હતું અને તેના હાથ પાછળ દોરડાથી બાંધેલા હતા. પડોશીઓ ચીસો સાંભળીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, મકાનમાલિકને જાણ કરી હતી, ત્યારબાદ આરોપી લિયોનોવ પહેલા માળેથી કૂદીને ભાગી ગયો હતો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન, તેણે માત્ર આ હત્યા જ નહીં પરંતુ બીજી રશિયાની મહિલા એલેના વાનીવાની હત્યાની પણ કબૂલાત કરી હતી, જેનો મૃતદેહ મોરજિમ ગામમાં મળી આવ્યો હતો.
ગોવા પોલીસનું માનવું છે કે 14મી જાન્યુઆરીની રાત્રે વાનીવાની હત્યા કરવામાં આવી હતી અને બંને હત્યાઓ એક જ પેટર્નને અનુસરીને કરવામાં આવી હતી. ગળું દબાવીને હત્યા અને હાથ બાંધીને હત્યા. પૂછપરછ દરમિયાન આરોપી એલેક્સી લિયોનોવે ગોવાની બહાર થયેલી હત્યાઓ સહિત અન્ય ઘણી હત્યાઓની કબૂલાત કરી. તેણે પોલીસને આસામની 40 વર્ષીય ત્રીજી મહિલાની હત્યા વિશે પણ જણાવ્યું. પોલીસના જણાવ્યાનુસાર, તે દાવો કરે છે કે તે નશો આપીને મહિલાની હત્યા કરી હતી. જો કે, આરોપી વારંવાર તેના નિવેદનો બદલી રહ્યો છે. તે ડ્રગ્સના લાંબા સમય સુધી પ્રભાવ હેઠળ હોઈ શકે છે. તેથી, બધા દાવાઓની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે.
આરોપી 14 દિવસની પોલીસ કસ્ટડીમાં
અહેવાલો અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં બે રશિયાની મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે. પોસ્ટમોર્ટમ અને પુરાવા દ્વારા ત્રીજા કેસની પુષ્ટિ હજુ બાકી છે. ગોવા પોલીસે અલગ અલગ કેસોમાં હત્યાના કેસ નોંધ્યા છે. પેરનેમના ન્યાયિક મેજિસ્ટ્રેટે બે રશિયાની મહિલાઓની હત્યાના સંદર્ભમાં લિયોનોવને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તપાસ એજન્સી હત્યાના હથિયાર અને અન્ય ફોરેન્સિક વિગતો સહિત પુરાવા એકઠા કરી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓના દાવાની પુષ્ટિ થયા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


