રિક્ષા પાછળ ટ્રેલર ઘુસી જતાં રામદેવપુરના શખ્સનું મોત | Ramdevpur man dies after trailer crashes into rickshaw

![]()
– ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર રાજગઢ ગામ પાસે અકસ્માત
– ચાલકે પેસેન્જર લેવા માટે રિક્ષા ઉભી રાખી હતીઃ ચાલક સહિત 4 ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાતા આ હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે. ત્યારે રાજગઢ ગામ પાસે રિક્ષા પાછળ ટ્રેલર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં રામદેવપુરના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ચાલક સહિત ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર રામદેવપુર ગામ તરફથી આવતી સીએનજી રિક્ષા હાઈવે પર પેસેન્જર ભરવા માટે ઉભી રાખવામાં આવી હતી. તે દરમિયાન માલવણ તરફથી આવતા ટ્રેલરના ચાલકે રિક્ષા પાછળ ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરની ટક્કરથી રિક્ષા હવામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા બે મહિલા સહિત ચાર પેસેન્જરોને ઈજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પુંજાભાઈ માલાભાઈ ચાવડા (ઉ.વ.૫૫, રહે.રાજગઢ) વાળાને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગૌરીબેન રણજીતભાઈ વિરાણી (ઉ.વ.૬૫, રહે.સોની તલાવડી) અને ગીતાબેન પ્રેમજીભાઈ રુદાતલા (ઉ.વ.૬૫, રહે.હળવદ રોડ) વાળાને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક પેસેન્જર શામજીભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.૬૦, રહે. રામદેવપુર)ને સામાન્ય ઈજા પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મૃતક આધેડનું પી.એમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


