ન્યાયની લડત : કોળી સમાજના આગેવાનો તમામ પદ-હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે | Fight for justice: Koli community leaders will resign from all positions

![]()
– મુખ્ય સૂત્રધાર જયરાજ આહીર અને તેના સાગરિતોના નામ ઉમેરી ધરપકડ કરવા માંગ
– ગુનાની તપાસને અલગ-અલગ રીતે ફેરવી પોલીસ ટાઈમપાસ કરતી હોવાનો રોષ ઠાલવ્યો, ગુજરાતભરનો કોળી સમાજ બગદાણામાં ભેગો થશે
મહુવા : બગદાણાના સરપંચના દિયર નવનીતભાઈ ઉપર થયેલા હુમલાને ૨૦ દિવસ જેવો સમય થવા આવ્યો છતાં આ ચકચારી કેસમાં પોલીસ ‘મગનું નામ મરી’ નથી પાડતી, બીજી તરફ કોળી સમાજ પણ ન્યાયની અડગ લડત ચલાવી રહ્યો છે. તેવામાં મહુવા તાલુકાના કોળી સજમાના રાજકીય અને સામાજિક આગેવાનોએ એકઠા થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.
જેમાં ગત ૨૯-૧૨ના રોજ નવનીતભાઈ બાલધિયાને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યાની ઘટના સામે રોષ ઠાલવી અનેક પુરાવાઓ હોવા છતાં ગુનાના મુખ્ય સૂત્રધાર જયરાજ આહીર અને તેના સાગરિતો સામે પોલીસ કાર્યવાહી કરતી નથી. આ કેસમાં બે પીઆઈની બદલી થઈ, સીટની રચના કરાઈ છે. જયરાજની ભૂમિકા આરોપી તરીકે ફલીત થતી હોવા છતાં તપાસને અલગ-અલગ રીતે ફેરવી પોલીસ ટાઈમપાસ કરતી હોય, રાજકીય અને આર્થિક જોરે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનો બળાપો ઠાલવ્યો હતો.
જો આગામી ત્રણ દિવસમાં જયરાજ આહીર અને તેના સાગરિતોના નામ ફરિયાદમાં ઉમેરી ધરપકડ નહીં કરવામાં આવે તો ગુજરાતભરનો કોળી સમાજ સરકાર સામે આકરા પાણીએ લડત ચલાવશે. રસ્તા રોકો અ ને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડશે. તેમજ રાજ્યભરમાંથી કોળી સમાજના લોકો બગદાણામાં ભેગા થશે અને જરૂર જણાયે કોળી સમાજના તમામ આગેવાનો પોતાના તમામ પદ અને હોદ્દાઓ ઉપરથી રાજીનામા ધરી દેશે. કોઈ અજુગતો બનાવ બનશે તો તેની જવાબદારી પ્રશાસન અને સરકારની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.



