બુટલેગરની હિંમત તો જુઓ! ઘોઘંબાના ખેડપા ગામે દારૂ હેરાફેરી કરતા બુટલેગરે PSI પર બાઈક ચડાવી | PSI Injured After Bootlegger Attacks with Bike in Ghoghamba Panchmahal

![]()
Bootlegger Attacks On PSI In Ghoghamba, Panchmahal: ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધ હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે પંચમહાલના ઘોઘંબામાં બાઈક પર લાખોનો દારૂ લઈને જતાં બુટલેગરને પકડવા પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન PSIએ રોકતા બુટલેગરે બાઈક ચડાવી દેતા PSI ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખેડપા ગામે બુટલેગર દ્વારા PSI પર બાઇક ચડાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. ઘટના એમ છે કે, બુટલેગર દારૂની હેરાફેરી કરતો હોવાની પોલીસને ચોક્ક્સ બાતમી મળી હતી. આ પછી પોલીસે બાતમીના આધારે બુટલેગરને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બુટલેગર બાઈકમાં અંદાજે 1 લાખની કિંમતનો દારૂનો જથ્થો લઈને જતો દેખાતા PSI એસ.એમ. ડામોર દ્વારા બુટલેગરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બુટલેગરે PSI પર બાઇક ચડાવી દીધું હતું. ઘટનામાં ઈજાગ્રસ્ત થતાં PSIને સારવાર માટે ગોધરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ, બુટલેગર પણ ઝાડ સાથે અથડાતા તેને પણ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના મામલે ઘોઘંબા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


