गुजरात

નસવાડીની રામાપ્રસાદી શાળામાં ‘રામરાજ્ય’: 53 બાળકો રઝળ્યા, ‘ગુલ્લીબાજ’ શિક્ષક બે દિવસથી ગાયબ | Teacher Missing for 2 Days in Naswadi School Raises Questions on Gujarat Education



Chhota Udepur News: ગુજરાત સરકાર શિક્ષણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ છોટાઉદેપુરના છેવાડાના ગામડાઓમાં વાસ્તવિકતા કંઈક જુદી જ છે. નસવાડી તાલુકાની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં છેલ્લા બે દિવસથી શિક્ષક ગુલ્લી મારી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 53 બાળકોનું ભવિષ્ય એકમાત્ર શિક્ષકના ભરોસે છે, અને તે પણ ગેરહાજર રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શાળામાં બાળકો છે, રસોઈયા છે, પણ જ્ઞાન પીરસનાર શિક્ષક નથી!

રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં કુલ 53 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આ આખી શાળાના સંચાલન માટે સરકારે માત્ર એક જ શિક્ષકની નિમણૂક કરી છે. છેલ્લા બે દિવસથી આ શિક્ષક શાળાએ ડોકાયા પણ નથી. ચોંકાવનારી વાત એ છે કે, મધ્યાહન ભોજનના સંચાલકો પોતાની ફરજ સમજીને રોજ આવે છે અને ભોજન બનાવે છે, પરંતુ બાળકોને ભણાવનાર શિક્ષક જ ગાયબ રહેતા બાળકો વર્ગખંડમાં ભણવાને બદલે રઝળી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો

તહેવારની આડમાં ‘લાંબી રજા’નો ખેલ

ગ્રામજનોનો આક્ષેપ છે કે, જ્યારે પણ કોઈ જાહેર રજા કે તહેવાર આવે છે, ત્યારે શિક્ષક પોતાની મરજીથી એક-બે દિવસ વહેલા નીકળી જાય છે અને રજા પૂરી થયા પછી પણ મોડા હાજર થાય છે. અંતરિયાળ વિસ્તાર હોવાથી શિક્ષણ વિભાગની કોઈ ટીમ તપાસ માટે આવતી નથી, જેનો ફાયદો આવા ‘ગુલ્લીબાજ’ શિક્ષકો ઉઠાવી રહ્યા છે.

ગ્રામજનોનો આક્રોશ

ગ્રામજનોનું કહેવું છે કે, ‘અમારા બાળકોને ભણવું છે, પણ જો  શિક્ષક જ નહીં આવે તો શું શીખશે?’ રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળામાં જઈને પરિસ્થિતિનો વીડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી શિક્ષણ વિભાગ અને સરકારને આ પ્રશ્ન હલ કરવા વિનંતી કરી છે. આ પરિસ્થિતિને કારણે બાળકોને પોતાનું નામ લખતા પણ આવડતું નથી.

DEOનો એ જ જૂનો રાગ: ‘તપાસ કરાવું છું’

આ ગંભીર બેદરકારી અંગે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) નો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે વર્ષો જૂનો અને ઘસાઈ ગયેલો જવાબ આપતા કહ્યું કે, “હું આ બાબતે તપાસ કરાવું છું.” સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ અનેકવાર આવી રજૂઆતો થઈ છે, પરંતુ તપાસના નામે માત્ર કાગળ પર કાર્યવાહી થાય છે અને પરિસ્થિતિ જસની તસ રહે છે.

‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ સામે સવાલ

એક તરફ સરકાર રાજ્યની શાળાઓને હાઈટેક બનાવવા ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ જેવા પ્રોજેક્ટ ચલાવે છે, ત્યારે બીજી તરફ રામાપ્રસાદી જેવી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણનો પણ અભાવ છે. જો પાયાનું શિક્ષણ જ નહીં મળે તો આદિવાસી વિસ્તારના બાળકોના વિકાસના દાવાઓ પોકળ સાબિત થશે.



Source link

Related Articles

Back to top button