ઈરાને 16 ભારતીય ક્રૂ મેમ્બર સવાર ઓઈલ ટેન્કર જપ્ત કર્યું, ભારત દ્વારા કોન્સ્યુલર એક્સેસની માંગ | Indian ship MT Valiant Roar with 16 onboard detained in Iran

![]()
Indian ship Detained in Iran: ઈરાનમાં નૌસેના દ્વારા ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેના એક મર્ચન્ટ વેસલ (MT VALIANT ROAR) ને રોકવા અંગે ઈરાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું. ભારતીય દૂતાવાસે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ડિસેમ્બર 2025 ના મધ્યમાં ઈરાની સત્તાવાળાઓ દ્વારા ‘MT Valiant Roar’ નામના ઓઈલ ટેન્કર જહાજને જપ્ત કરવામાં આવ્યું છે. આ જહાજ પર 16 ભારતીય ક્રૂ મેમ્બરો સવાર છે. મળતી માહિતી અનુસાર, ઈરાની નૌસેના દ્વારા આ ઓઈલના ટેન્કરને આંતરરાષ્ટ્રીય દરિયાઈ નિયમોના ઉલ્લંઘનના આરોપસર અટકાવવામાં આવ્યું હતું.
દૂતાવાસ અને વિદેશ મંત્રાલયની કાર્યવાહી
ઈરાનના બંદર અબ્બાસ સ્થિત ભારતીય કોન્સ્યુલેટે 14 ડિસેમ્બરના રોજ તાત્કાલિક સ્થાનિક સત્તાવાળાઓને પત્ર લખીને ભારતીય નાગરિકોની સ્થિતિ અંગે જાણકારી માંગી હતી. ભારત સરકાર અને વિદેશ મંત્રાલયે ઈરાની સરકાર સમક્ષ ભારતીય ક્રૂ મેમ્બરો માટે ‘કોન્સ્યુલર એક્સેસ’ની માંગણી કરી છે, જેથી દૂતાવાસના અધિકારીઓ તેમને મળી શકે અને તેમની સુખાકારીની ખાતરી કરી શકે.
ભારતીય મિશન આ બાબતે ઈરાની વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. પ્રાથમિકતા એ છે કે ક્રૂ મેમ્બરોને તેમના પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવે અને તેમની વહેલી તકે મુક્તિ માટે કાયદાકીય માર્ગો શોધવામાં આવે.
વિદેશ મંત્રાલયે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, તેઓ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. જહાજને કયા કારણોસર અટકાવવામાં આવ્યું છે તેની તપાસ હજુ ચાલુ છે.

