શું ખરેખર 9 વર્ષ મોટા ધનુષ સાથે લગ્ન કરશે મૃણાલ ઠાકુર? જાણો શું છે સત્ય | mrunal thakur and dhanush wedding rumors truth revealed

Mrunal Thakur Dhanush Wedding Rumors: સેલિબ્રિટીઝના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર અફવાઓ ખૂબ જ ઝડપથી ફેલાતી હોય છે. હાલમાં બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર અને સાઉથ સુપરસ્ટાર ધનુષ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. શુક્રવાર, 16 જાન્યુઆરીની સવારથી ઇન્ટરનેટ પર એવી અટકળો તેજ થઈ હતી કે આ બંને કલાકારો 14 ફેબ્રુઆરી, 2026(વેલેન્ટાઈન ડે)ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જોકે, હવે આ સમાચારો પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.
લગ્નના સમાચાર માત્ર અફવા?
અભિનેત્રીના નજીકના સૂત્રોએ આ લગ્નની વાતોને સદંતર ફગાવી દીધી છે. સૂત્રએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મૃણાલ આવતા મહિને લગ્ન નથી કરી રહી. આ માત્ર એક અફવા છે જે વગર કોઈ કારણે ફેલાઈ રહી છે. વધુમાં જાણવા મળ્યું છે કે મૃણાલ હાલમાં તેના પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાં વ્યસ્ત છે. ફેબ્રુઆરીમાં તેની એક ફિલ્મ રિલીઝ થવાની છે અને માર્ચમાં એક તેલુગુ ફિલ્મ પણ આવી રહી છે, તેથી આવા સમયે લગ્નનું આયોજન કરવું શક્ય નથી. હાલમાં મૃણાલનું સંપૂર્ણ ધ્યાન તેના કામ પર જ છે.
ક્યાંથી શરૂ થઈ આ ચર્ચાઓ?
મૃણાલ અને ધનુષના સંબંધોને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ બંનેએ ક્યારેય સાર્વજનિક રીતે આ વાતનો સ્વીકાર કર્યો નથી. આ અફવાઓને વેગ ઓગસ્ટ 2025માં મળ્યો હતો જ્યારે ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ના પ્રીમિયર દરમિયાન મૃણાલ અને ધનુષ એકસાથે જોવા મળ્યા હતા. ધનુષ ખાસ મૃણાલને સપોર્ટ કરવા પહોંચ્યો હોવાનું ફેન્સ માની રહ્યા હતા, જે બાદ બંનેની મુલાકાતો પર સોશિયલ મીડિયા પર અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા હતા.
હાલ પૂરતું તો એ સ્પષ્ટ છે કે નજીકના ભવિષ્યમાં લગ્નની કોઈ શક્યતા નથી. જો બંને કલાકારો કોઈ સત્તાવાર જાહેરાત કરશે તો જ આ અટકળોનો અંત આવશે, ત્યાં સુધી ફેન્સે રાહ જોવી પડશે.




