નકલી ઘરેણા પર 6.82 લાખની ગોલ્ડ લોન લઈ ઠગાઇના કરનારા બે આરોપીઓના આગોતરા જામીન અદાલતે ફગાવ્યા | Vadodara Court rejects anticipatory bail of 2 accused who cheated by gold loan on fake jewellery

![]()
Vadodara Court : વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં રૂ.6.82 લાખની ગોલ્ડ લોન મેળવી દાગીના નકલી હોવાનું બહાર આવતા બેંક સાથે ઠગાઇ અંગે પાણીગેટ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં ફરાર બંને આરોપીઓની અદાલતે આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા દિલીપકુમાર નટવરભાઈ સોની (રહે. પિતૃછાયા, છાણી ગામ, વડોદરા)ને વેલ્યુએર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2019 દરમિયાન આસિફ અશરફ મલેક (રહે. મંજુસર ગામ)ની ગોલ્ડ લોન સ્કીમ હેઠળ દિલીપ સોનીએ એક જ ગ્રાહકને પ્રથમ રૂ.2.66 લાખ અને બાદમાં વધુ રૂ.4.16 લાખની ગોલ્ડ લોન મંજૂર કરી હતી. લોનની રકમ ભરપાઈ ન થતાં બેન્કે ગીરવે રાખેલું સોનું પોતાના કબ્જામાં લઈ વેલ્યુએશન કરાવ્યું હતું, જેમાં સોનું નકલી હોવાનું ખુલ્યું હતું.
આ કેસમાં વોન્ટેડ બંને આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા એડિશનલ સેશન્સ જજ મોબિન અબ્દુલરસીદ ટેલરની અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. ગઈકાલે થયેલી સુનાવણી દરમિયાન સરકાર તરફે એ.જી.પી. બી.એસ.પુરોહિતે દલીલ કરી હતી કે નકલી દાગીનાને સાચા દર્શાવી વેલ્યુએશન રિપોર્ટ આપીને ગુનાહિત કાવતરું રચાયું છે. ગુનાની ગંભીરતા અને કાયદાની જોગવાઈઓને ધ્યાને લઈ આગોતરા જામીન ન આપવાની માગ કરવામાં આવી હતી.
અદાલતે નોંધ્યું હતું કે આરોપીઓએ શરૂઆતથી જ જાણબૂઝીને આર્થિક ફાયદા માટે ગુનો કર્યો છે. તપાસ નાજુક તબક્કામાં હોવાથી અને ગુનાના મૂળ સુધી પહોંચવા આરોપીઓની કસ્ટોડિયલ ઇન્ટરોગેશન જરૂરી હોવાનું જણાવી અદાલતે આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.


