સિહોરમાં સ્ટાફ-વાહનની ઘટના કારણે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું | Staff vehicle incident in Sehore shakes up dirt empire

![]()
– કચરા પોઈન્ટ પરથી ઉકરડો ઉપાડવા માટે હાલ બે જ ટ્રેક્ટર
– 15-20 દિવસ સુધી કચરો ઉપાડવામાં આવતો નથી, માથા ફાટી જાય તેવી દુર્ગંધથી લોકો ત્રાહિમામ
સિહોર : સિહોર શહેરમાં નગરપાલિકાના પાપે ઠેર ઠેકાણે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું છે. સ્ટાફ અને વાહનોની ઘટના કારણે નિયમિત રીતે કચરો ઉપાડવામાં ન આવતા છોટેકાશી તરીકે વિખ્યાત સિહોર હાલ ઉકરડાનું શહેર બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સિહોર ન.પા.ના સેનિટેશન વિભાગમાં હાલ માત્ર બે જ ટ્રેક્ટર શરૂ હાલતમાં છે. આ ઉપરાંત સ્ટાફ પણ અપૂરતો છે. જેના કારણે એકાદ લાખની વસતી ધરાવતા સિહોરમાં આવેલા ઉકરડા પોઈનટ પરથી સમયસર અને નિયમિત રીતે કચરો ઉપાડવામાં આવતો નથી. હાલ સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, ૧૫-૨૦ દિવસ સુધી કચરાના ઢગલા પડયા છે. જેના કારણે રસ્તા ઉપર પણ કચરો આવી જાય છે. કચરામાંથી આવતી અસહ્ય અને માથા ફાટી જાય તેવી દુર્ગંધના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આરોગ્ય ઉપર પણ જોખમ ઉભું થઈ રહ્યું છે. ત્યારે ન.પા.ના સત્તાધિશોએ સિહોરને કચરામુક્ત કરી સ્વચ્છ રાખવા નવા ટ્રેક્ટરોની માંગણી કરવી જોઈએ અથવા થોડા સમય માટે ટ્રેક્ટર ભાડે રાખી નિયમિત કચરો ઉપાડવા રોજમદાર રાખવા જોઈએ.
ઉલ્લેખનિય છે કે, અમુક વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડતા વાહનો નિયમિત જતાં ન હોવાના કારણે રહિશોને નાછુટકે જાહેર રસ્તા પર જ કચરો-એઠવાડ નાંખવો પડી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈ ન.પા.ના અધિકારીઓ, સત્તાધિશોએ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવા માંગણી ઉઠી છે.



