આર.ટી.આઈ.ને શસ્ત્ર બનાવાયુ, ભાજપના પદાધિકારીઓ એક બીજાની પોલ ખોલવામાં વ્યસ્ત બન્યાં | RTI has been weaponized

![]()
અમદાવાદ,શુક્રવાર,16
જાન્યુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પુરી થવા આવેલી ટર્મ પહેલા
ભાજપના હાલના પદાધિકારીઓ એકબીજાની પોલ ખોલવામા વ્યસ્ત બની ગયા છે. શહેરના મેયરને
કોર્પોરેશન તરફથી ફાળવવામા આવતા વિશેષ બજેટ અને તેમાંથી કરવામા આવેલા ખર્ચની
આંકડાકીય વિગત ખોટી અપાતા આ ફરિયાદ છેક મેયર સુધી પહોંચી હતી. શુક્રવારે
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પછી મેયરની એન્ટિ ચેમ્બરમાં એક ગુપ્ત બેઠક યોજાઈ
હતી.જેમાં કોર્પોરેશનના બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. ઉપરાંત
આ પ્રકરણમાં એક નાના કર્મચારીને જવાબદાર ગણીને સસ્પેન્ડ કરાયો હોવાનુ
આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, અમદાવાદના પ્રથમ
નાગરિક અને મેયરને દર વર્ષે ફાળવવામા આવતા બજેટ ઉપરાંત કેટલુ વિશેષ બજેટ ફાળવવામા
આવે છે તેમજ આ પૈકી કેટલી રકમનો કયાં ખર્ચ કરવામા આવ્યો એ અંગે એક અરજદાર દ્વારા
માહિતી અધિકાર એકટ હેઠળ માહિતી માંગવામા આવી હતી.જેના આપવામા આવેલા જવાબમા ઘણી
આંકડાકીય વિસંગતતા હોવાથી આ બાબતમા મેયર સુધી ફરિયાદ કરાઈ હતી. શુક્રવારે મેયરની
એન્ટિ ચેમ્બરમાં મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર,
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,પક્ષનેતા
ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર અને એકાઉન્ટ વિભાગના અધિકારીઓ સાથે બંધ બારણે લાંબા સમય
સુધી વાતચીત ચાલી હતી. જેને ધ્યાનમા લઈ હાલના ચીફ એકાઉન્ટન્ટ અને નાણાં વિભાગનો
હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના ખાતા જ બદલી નાંખવા ભાજપના પદાધિકારીઓ
તરફથી દબાણ કરાયુ હોવાની વિગત બહાર આવી છે.ચૂંટણી પહેલા ભાજપના પાંચ પદાધિકારીઓ
એકબીજાની સામે આવી ગયા હોવાની સ્થિતિ કોર્પોરેશનમાં ચર્ચાનો વિષય બની છે. એક ચર્ચા
એવી પણ સાંભળવા મળી રહી છે કે,
હાલના ભાજપના પદાધિકારીઓ જ એક બીજાને નીચા દેખાડવા માટે આર.ટી.આઈ.કરાવે છે.



