गुजरात

વડોદરા નજીક વાઘોડિયામાં દીપડાનો કહેરઃએક સપ્તાહમાં 6 પશુના મારણ કરતાં ગ્રામજનોમાં ગભરાટ | Leopard hunts six animals in a week in Waghodia



વડોદરાઃ વડોદરા નજીક વાઘોડિયા તાલુકામાં વારંવાર દીપડા રહેણાંક વિસ્તારમાં મારણ માટે આવી રહ્યા હોવાના બનાવો ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યા છે.ફોરેસ્ટ વિભાગ પણ એક્શનમાં આવતાં  બે સ્થળે પાંજરા મુકવામાં આવ્યા છે.

ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગ પાસે મળતી માહિતી મુજબ,છેલ્લા એક સપ્તાહમાં દીપડાએ જુદાજુદા સ્થળે અડધો ડઝન પશુના મારણ કર્યા છે.જેમાં મુખ્યત્વે વાછરડાંનો સમાવેશ થાય છે.

દીપડાએ દંખેડા ખાતે એક વાછરડાનું મારણ કર્યું હોવાની અને ગોરજના ઝવેરપુરા ખાતે પણ એક પશુનું મારણ કર્યું હોવાની માહિતી મળી છે.જ્યારે,તવરા ખાતે એક જ માલિકના બે પશુનું મારણ કરવામાં આવ્યું છે.જેથી ત્યાં બે દીપડા સાથે ત્રાટક્યા હોવાનું મનાય છે.

આવી જ રીતે વેડપુર ખાતે એક વાછરડાંનું અને સાંગાડોલ નજીક નરસિંહપુરા ખાતે પણ એક વાછરડાંનો શિકાર કર્યો હોવાની માહિતી મળી છે.વાઘોડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રિકાબેને કહ્યું હતું કે,વાઘોડિયા તાલુકામાં ચાર દીપડાની હાજરી હોવાનું મનાય છે.અમે દીપડાને પકડવા માટે તવરા અને નરસિંહપુરા ગામે બે પાંજરા મુક્યા છે.

દીપડાએ માણસનું લોહી ચાખ્યું નથી, સામનો કરતાં જ ભાગી જાય છે

ફોરેસ્ટ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, વાઘોડિયા તાલુકામાં શિકાર કરવા ત્રાટકતા દીપડાએ માણસનું લોહી ચાખ્યું નથી તે એકરીતે સારી વાત છે.આ જ કારણસર દીપડાનો સામનો કરવામાં આવે તો તે ભાગી જાય છે.છતાં પણ લોકોએ સાવધાની રાખવી જરૃરી છે.અગાઉ ફોરેસ્ટ વિભાગે દીપડાને પાંજરે પુર્યા હતા.પરંતુ ફરી તેઓ તેમના વિસ્તારમાં આવી જાય છે.

આજવાની આસપાસ નર અને માદા દીપડા ફરી રહ્યા છે

આજવા સરોવરની આસપાસના સૂર્યા કોતર અને રાયણ તલાવડી જેવા વિસ્તારોમાં દીપડાની જોડી નજરે પડી છે.જેથી આ વિસ્તારમાં નર અને માદા દીપડા સાથે ફરી રહ્યા હોવાથી ખેડૂતો માટે જોખમ વધ્યું છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીએ લોકોને દીપડા બાબતે માહિતી આપવા અપીલ કરી છે.

જંગલ વિસ્તારમાં શિકાર નહિ મળતાં માનવ વસાહતમાં એન્ટ્રી

શિકારની શોધમાં દીપડા અનેકવાર રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના બનાવ બની રહ્યા છે.જેનું મુખ્ય કારણ ફોરેસ્ટનો વિસ્તાર ઘટી રહ્યો હોવાનું મનાય છે.દીપડાને આસાનીથી ખોરાક નહિ મળતો હોવાથી તેને દૂર સુધી જવું પડે છે અને રહેણાંક વિસ્તારમાં પણ આવી જતા હોય છે.



Source link

Related Articles

Back to top button