दुनिया

‘પાપ’માં ભાગીદાર ન થનારા દેશોને ટ્રમ્પની ધમકી! ગ્રીનલેન્ડ મુદ્દે સાથ આપો નહીંતર ટેરિફ ઝીંકીશું | Trump threatens countries that won’t Support the Greenland issue



Donald Trump on Greenland : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાની તેમની મહત્વાકાંક્ષાનો વિરોધ કરનારા દેશોને આર્થિક પરિણામો ભોગવવાની ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જે દેશો આ યોજનામાં અમેરિકાનો સાથ નહીં આપે, તેમના પર ભારે ટેરિફ (આયાત શુલ્ક) લગાવવામાં આવી શકે છે. આ આક્રમક વલણને કારણે અમેરિકા અને તેના યુરોપિયન સહયોગીઓ, ખાસ કરીને ડેનમાર્ક વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

ટ્રમ્પની ‘ટેરિફ ડિપ્લોમસી’

વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન, ટ્રમ્પે કહ્યું, “રાષ્ટ્રીય સુરક્ષા માટે અમને ગ્રીનલેન્ડની જરૂર છે,” અને જો કેટલાક દેશો આ મુદ્દે સહકાર નહીં આપે તો તેમના પર ટેરિફ લાદવાની ધમકી આપી. આ પ્રથમ વખત નથી કે જ્યારે ટ્રમ્પે આર્થિક દબાણનો કૂટનીતિક હથિયાર તરીકે ઉપયોગ કરવાની વાત કરી હોય. આ પહેલા પણ તેમના પ્રશાસને રશિયન તેલ ખરીદનારા અને ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર કડક પ્રતિબંધો લાદ્યા છે.

વાતચીત છતાં મતભેદ યથાવત

આ મુદ્દે અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે વોશિંગ્ટનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ સામેલ હતા. બેઠક બાદ ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે “મૂળભૂત અસહમતિ” યથાવત છે. જોકે, મતભેદો છતાં, સંભવિત ઉકેલ શોધવા માટે એક ઉચ્ચ-સ્તરીય કાર્યકારી જૂથની રચના કરવા પર સહમતિ સધાઈ છે. રાસમુસેને સ્પષ્ટ કર્યું કે આ જૂથ અમેરિકાની સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં લેશે, પરંતુ ડેનમાર્કની “રેડ લાઇન્સ” (લક્ષ્મણ રેખા)નું સન્માન કરવું પડશે.

ટ્રમ્પની જીદ સામે યુરોપિયન દેશો એકજૂટ

અમેરિકાના દબાણ સામે ડેનમાર્ક એકલું નથી. ડેનમાર્કે ગ્રીનલેન્ડમાં પોતાની સૈન્ય હાજરી વધારવાની જાહેરાત કરી છે, અને તેના સમર્થનમાં ફ્રાન્સ, જર્મની, નોર્વે અને સ્વીડન જેવા દેશોએ પણ મર્યાદિત સંખ્યામાં સૈનિકો મોકલવાની જાહેરાત કરી છે. યુનાઇટેડ કિંગડમ અને જર્મનીએ પણ આર્કટિક સુરક્ષા અભ્યાસના ભાગરૂપે સૈનિકોની તૈનાતીની પુષ્ટિ કરી છે. આ પગલાંને ટ્રમ્પની યોજના સામે યુરોપની એકતાના સ્પષ્ટ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

આર્કટિકમાં વધતી સ્પર્ધા

આ સમગ્ર ઘટનાક્રમ આર્કટિક ક્ષેત્રમાં વધતી જતી વ્યૂહાત્મક સ્પર્ધાને ઉજાગર કરે છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ નાટોને આ ક્ષેત્રમાં તણાવ રોકવા અને બાહ્ય હસ્તક્ષેપનો સામનો કરવા માટે “સંકલિત હાજરી” વિકસાવવા અપીલ કરી છે. સ્પષ્ટ છે કે ગ્રીનલેન્ડનો મુદ્દો હવે માત્ર અમેરિકા-ડેનમાર્કનો દ્વિપક્ષીય મુદ્દો નથી રહ્યો, પરંતુ તે વૈશ્વિક શક્તિ સંતુલનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. 



Source link

Related Articles

Back to top button