પતરાના શેડમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી દારૃ પકડાયો | Liquor seized from secret cellar built in leaf shed

![]()
દહેગામના વાસણા રાઠોડમાં પોલીસનો દરોડો
દારૃની હેરાફેરી રોકવા માટે ૫૭ હજારના મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ, સપ્લાયરની શોધખોળ
ગાંધીનગર : જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે હાથ
ધરાયેલી ઝુંબેશ અંતર્ગત દહેગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા બાતમીના
આધારે વાસણા રાઠોડ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર દરોડો પાડી જમીનમાં
બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો છે.
દહેગામ પોલીસની
ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગણેશપુરાથી વાસણા રાઠોડ રોડ
પર આવેલા વહાણવટી સીકોતર ફાર્મ ખાતે રહેતો દશરથસિંહ રણુભા ડોડીયા ગેરકાયદેસર દારૃ
રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો
હતો અને દશરથસિંહ ડોડીયા ત્યાં હાજર મળી આવ્યો હતો. જેને સાથે રાખીને ફાર્મની તપાસ
કરવામાં આવતા ઘરની પાછળ આવેલા પતરાના શેડમાં શંકાસ્પદ જગ્યા જણાઈ હતી. તપાસ કરતા
માટી નીચે દબાવેલું એક ગુપ્ત ભોંયરું મળી આવ્યું હતું, જેમાં વિદેશી
દારૃ છુપાવેલો હતો. ભોંયરામાંથી પોલીસને વિદેશી દારૃની ૪૪ બોટલ મળી આવી હતી.
આશ્ચર્યની વાત એ છે કે પકડાઈ જવાની બીકે તમામ બોટલો પરથી કોઈ અણીદાર વસ્તુ વડે બેચ
નંબર ભૂંસી નાખવામાં આવ્યા હતા. જે દારૃ સંદર્ભે પૂછવામાં આવતા દહેગામના ચામલા
ગામમાં રહેતા ફુલસિંહ નેનસિંહ સોલંકી પાસેથી આ દારૃનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત
કરી હતી. હાલ પોલીસે ૫૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને સપ્લાયરની શોધખોળ શરૃ
કરી છે.


