‘ઈરાનની સ્થિતિ પર અમારી ચાંપતી નજર, ત્યાં ફસાયેલા ભારતીયો માટે કંઈપણ કરીશું’, વિદેશ મંત્રાલયનું નિવેદન | india monitors iran situation safety of indians advisory 2026

Iran Crisis: ઈરાનમાં વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે ભારત સરકારના વિદેશ મંત્રાલયે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું હતું કે, ‘ભારત સરકાર ઈરાનની વર્તમાન સ્થિતિ પર ખૂબ જ નજીકથી નજર રાખી રહી છે. અંદાજિત 9 હજાર ભારતીય નાગરિકો ઈરાનમાં છે. જેમાં સૌથી વધુ સંખ્યા વિદ્યાર્થીઓની છે. ઈરાનની સ્થિતિને ધ્યાને રાખતા પોતાના નાગરિકો માટે ત્રણ એડવાઇઝરી જાહેર કરાઈ છે. ત્યાં ફસાયેલા ભારતીયો માટે જે કરવું પડે તે કરીશું.’
ઈરાનની યાત્રા ટાળવાની સલાહ
રણધીર જયસવાલે જણાવ્યું કે, ‘અમે પોતાના દેશના નાગરિકોને મહત્ત્વની સલાહ આપી છે. અમે તેમને જણાવ્યું છે કે, હાલના સમયમાં ઈરાનની મુસાફરી ટાળો. આ સિવાય ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ કોઈપણ રીતે ઈરાન છોડીને નિકળી જાય. આ સિવાય અમે ત્યાં ફસાયેલા પોતાના લોકો માટે જે પણ કરવું પડે તે કરીશું.’

દૂતાવાસે કોઈપણ ઈમરજન્સી માટે હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા

કેરળના નાગરિકો માટે વિશેષ હેલ્પડેસ્ક
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ઈરાનમાં હાલની સુરક્ષા ચિંતાઓ અને ક્ષેત્રમાં તણાવ વધવાની સંભાવનાઓને જોતા, કેરળમાં મુખ્યમંત્રી કાર્યાલયના નિર્દેશોના અનુસાર, નોરકા રૂટ્સે ત્યાં રહેતા કેરળવાસીઓ માટે એક વિશેષ સહાયતા ડેસ્ક સક્રિય કર્યું છે. નોરકાએ કહ્યું છે કે, કેરળવાસીઓને મદદની જરૂર છે, તેઓ ટોલ-ફ્રી નંબર અથવા ઇન્ટરનેશનલ મિસ્ડ-કોલ સુવિધા દ્વારા નોરકા ગ્લોબલ કોન્ટેક્ટ સેન્ટર હેલ્પડેસ્ક સાથે સંપર્ક કરી શકે છે.
ઈરાનની વર્તમાન સ્થિતિ
અહેવાલો અનુસાર, ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ સુરક્ષા અને આર્થિક પડકારો હજુ પણ યથાવત છે. અમેરિકાએ પણ ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધો લાદ્યા છે, જેના કારણે આ ક્ષેત્રમાં તણાવની સ્થિતિ બનેલી છે. જોકે, ભારત સરકાર તેના નાગરિકોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવા તૈયાર હોવાનું વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે.

