સઉદીથી સુદાન સુધી ઈસ્લામિક ‘નાટો’ રચવાનું પાક.નું સપનું | Pakistan’s dream of creating an Islamic ‘NATO’ from Saudi Arabia to Sudan

![]()
– પાક. સાથેના લશ્કરી ગઠબંધનમાં તૂર્કી જોડાવાની શક્યતા
– પાકિસ્તાને સુદાન સાથે ખૂબ મોટો સંરક્ષણ સોદો કર્યો છે સુદાનને 1.5 અબજ ડોલરના શસ્ત્રો અને યુદ્ધ વિમાનો વેચવાનું છે
નવી દિલ્હી : પાકિસ્તાને સુદાન સાથે બહુ મોટો સંરક્ષણ સોદો કર્યો છે. તે સુદાનને ૧.૫ અબજ ડોલરનાં શસ્ત્રો તથા ફાયટર જેટસ વેચવાનું છે.
આ સાથે પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે, પાકિસ્તાન સઉદી અરબસ્તાનથી સુદાન સુધીના દેશોનું ‘નાટો’ જેવું લશ્કરી ગઠબંધન બનાવવા માગે છે ?
પાકિસ્તાને ગત વર્ષે સઉદી અરબસ્તાન સાથે સંરક્ષણ કરારો કર્યા હતા. તેમાં મુખ્ય બાબત તે હતી કે બેમાંથી એક દેશ ઉપર કોઈ અન્ય દેશ દ્વારા હુમલો કરવામાં આવે તો તે પોતાની ઉપર જ થયો છે તેમ માની બેમાંથી એક દેશ તેના સાથી દેશની સહાયે દોડે.
આ કરારો પછી તે બંને સાથે તુર્કી પણ જોડાવાની શક્યતા છે, આથી હવે તે જૂથને ‘ઈસ્લામિક નાટો’ તેવું પણ નામ અપાયું છે.
દરમિયાન પાકિસ્તાને સુદાન સાથે પણ સંરક્ષણ કરારો કર્યા છે જેમાં ઉપર જણાવ્યા પ્રમાણે ૧.૫ અબજ ડોલરનો સંરક્ષણ સોદો કર્યો છે. આ ઉપરથી નિરીક્ષકો તેવું અનુમાન તારવે છે કે, પાકિસ્તાન ‘નાટો’ જેવું એક ઈસ્લામિક લશ્કરી જૂથ રચવા આગળ વધી રહ્યું છે.
પાકિસ્તાનનાં સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાયેલો વિભાગ સંભાળતા મંત્રી રઝા હયાત હર્શઝનું કહેવું છે કે, ‘અમે સઉદી અરબસ્તાન અને તુર્કી સાથે કરારો કરવાના છીએ અને તે કરારોનો ડ્રાફટ બંને દેશોને મોકલાઈ ગયો છે.’ અમે ત્રણે તે દિશામાં કામ કરી રહ્યા છીએ જે એક પ્રકારનું ‘ઈસ્લામિક-નાટો’ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, મુસ્લીમ દેશોમાં પાકિસ્તાન જ એક માત્ર તેવો દેશ છે કે જેની પાસે એટમ બોમ્બ છે. બીજી તરફ ચીન તેનાં ચેંગડુ સ્થિત એરોનોટિક્સ માટેનાં કોમ્પ્લેક્ષમાં પાકિસ્તાન માટે જેએફ-૧૭ પ્રકારના ફાયટર જેટ્સ બનાવી રહ્યું છે.
હવે પાકિસ્તાન ઈસ્લામિક દેશોની એક ધરી બનાવી રહ્યું છે જેથી તે ભારત સાથે સંતુલન સાધી શકે.

