77મા પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથિ? વિદેશ મંત્રાલયે બે હસ્તીના નામ સૂચવ્યાં | republic day 2026 eus top leaders to be chief guests in new delhi

77th Republic Day Chief Guests in Delhi: ભારત આગામી 26 જાન્યુઆરીએ પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ વર્ષે આ સમારોહ ખાસ બની રહેશે કારણ કે પીએમ મોદીના આમંત્રણ પર યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ એન્ટોનિયો લુઈસ સેન્ટોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વૉન ડેર લેયેન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ બંને નેતાઓ 25થી 27 જાન્યુઆરી, 2026 દરમિયાન ભારતની રાજકીય મુલાકાતે આવશે.
ભારત-EU શિખર સંમેલન અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA)
આ મુલાકાત માત્ર સાંસ્કૃતિક નહીં પણ આર્થિક દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વની છે. 27 જાન્યુઆરીએ 16મા ભારત-EU શિખર સંમેલનનું આયોજન થશે, જેમાં લાંબા સમયથી પ્રતિક્ષિત મુક્ત વ્યાપાર સમજૂતી(FTA)ની જાહેરાત થવાની શક્યતા છે.
ભારત અને યુરોપિયન યુનિયન(EU) વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) આર્થિક દૃષ્ટિએ ગેમ-ચેન્જર સાબિત થશે. આ સમજૂતીના પરિણામે બંને પક્ષો વચ્ચે વેપાર, વિદેશી રોકાણ અને એકબીજાના બજારો સુધીની પહોંચ અત્યંત સરળ બનશે, જે દ્વિપક્ષીય આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે. ખાસ કરીને, અમેરિકન ટેરિફમાં થયેલા ફેરફારોને કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા ભારતીય નિકાસકારો માટે આ કરાર આશીર્વાદરૂપ બનશે. યુરોપિયન બજારોમાં સરળ પ્રવેશ મળવાથી ભારતીય નિકાસકારોને મોટો ટેકો મળશે અને વૈશ્વિક બજારમાં તેમની સ્પર્ધાત્મકતા વધશે, જે આખરે ભારતના જીડીપી ગ્રોથમાં મહત્ત્વનું યોગદાન આપશે.
રાજદ્વારી મુલાકાતો અને કાર્યક્રમો
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુરોપિયન નેતાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે અને પીએમ મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા કરશે. આ ઉપરાંત, બંને પક્ષો વચ્ચે વેપારને વેગ આપવા માટે ‘ભારત-યુરોપિયન સંઘ બિઝનેસ ફોરમ’નું પણ આયોજન થઈ શકે છે.
આ પણ વાંચો: કેન્દ્ર-રાજ્ય એક બીજા સામે પોલીસ ફરિયાદ કરશે તો અરાજકતા ફેલાશે : સુપ્રીમ
ભારત-EU સંબંધોમાં નવો અધ્યાય
ભારત અને યુરોપિયન યુનિયન(EU) વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વર્ષ 2004થી સતત મજબૂત બની રહી છે, જે હવે એક ઐતિહાસિક વળાંક પર પહોંચી છે. વર્ષ 2024-25ના આંકડા મુજબ, બંને પક્ષો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 136 અબજ ડોલરને વટાવી ગયો છે, જેના પરિણામે EU અત્યારે ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર બની ગયું છે. આ મજબૂત આર્થિક પાયા પર હવે 27 દેશોના આ સમૂહ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવા જઈ રહ્યો છે, જે ભારતનો 19મો વ્યાપાર કરાર હશે. ભારતની લાંબાગાળાની આર્થિક રણનીતિ માટે આ કરાર અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે, કારણ કે તે યુરોપિયન બજારોમાં ભારતીય વસ્તુઓ અને સેવાઓ માટે નવા દ્વાર ખોલશે.



