4 દેશો જેમણે ટ્રમ્પને ઈરાન પર હુમલો કરતાં અટકાવ્યાં અને અમેરિકાને પણ ધમકાવ્યું | Four Countries That Stopped Trump From Attacking Iran Issued Warning to US

![]()
Iran-USA Tensions: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવને કારણે મિડિલ ઈસ્ટ પર તોળાઈ રહેલું યુદ્ધનું સંકટ હાલ પૂરતું ટળી ગયું હોય તેવું જણાય છે. છેલ્લા 48 કલાકમાં પડદા પાછળ ચાલેલી તીવ્ર રાજદ્વારી ગતિવિધિઓને કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણમાં નરમાશ આવી છે. આ સમગ્ર મામલે ચાર આરબ દેશો સાઉદી અરેબિયા, કતાર, ઓમાન અને ઇજિપ્ત મુશ્કેલીનિવારક તરીકે ઉભરી આવ્યા છે.
4 દેશોનું વોશિંગ્ટન પર દબાણ
અહેવાલો અનુસાર, જ્યારે વોશિંગ્ટનમાં ઈરાન પર હુમલો કરવાની યોજનાઓ ઘડાઈ રહી હતી, ત્યારે રિયાધ, દોહા, મસ્કત અને કૈરોથી સતત ફોન લાઈનો ગુંજતી રહી હતી. આ ચાર દેશોએ અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો ઈરાન પર હુમલો થશે તો તેલના ભાવ આસમાને પહોંચશે અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જશે, જેની સીધી અસર અમેરિકાના અર્થતંત્ર પર પડશે. હુમલાના પરિણામો મિડિલ ઈસ્ટ પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર વિશ્વમાં તેની ગંભીર અસરો જોવા મળશે.
આ પણ વાચો: આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઇ! મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો
ઈરાનને પણ આપી કડક ચેતવણી
આ ચાર દેશોએ માત્ર અમેરિકાને જ નહીં, પરંતુ ઈરાનને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. જેમાં જણાવ્યું કે, જો ઈરાન અમેરિકાના હુમલાના જવાબમાં ખાડી દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરશે, તો તેના ગંભીર પરિણામો આવશે. પાડોશી દેશોને યુદ્ધમાં ખેંચવા બદલ ઈરાન સાથેના તમામ રાજદ્વારી અને આર્થિક સંબંધો તોડી નાખવામાં આવશે. આ ચેતવણી ઈરાન માટે મહત્ત્વની હતી કારણ કે તે પહેલાથી જ આર્થિક પ્રતિબંધોથી ઝઝૂમી રહ્યું છે.
ડરનું સાચું કારણ શું છે?
સાઉદી અરેબિયા અને ગલ્ફ દેશોની ચિંતા પાછળના કેટલાક મુખ્ય કારણો છે. જેમાં ગલ્ફ દેશોમાં મોટા અમેરિકન લશ્કરી ઠેકાણાઓ આવેલા છે, જે ઈરાનનું પ્રાથમિક લક્ષ્ય બની શકે છે. 2019માં સાઉદી અરામકો પર થયેલા હુમલા જેવી ઘટના તેલના કુવાઓ અને પાવર પ્લાન્ટ્સને ફરીથી નુકસાન પહોંચાડી શકે છે. વર્ષોની મહેનત બાદ મેળવેલી આર્થિક સ્થિરતા યુદ્ધને કારણે નષ્ટ થઈ શકે છે.
ટ્રમ્પની પીછેહઠ અને શાંતિનો સંકેત
ગુરુવારે (15મી જાન્યુઆરી) મોડી રાત્રે સ્થિતિમાં બદલાવ જોવા મળ્યો હતો. જે ટ્રમ્પ અગાઉ ‘મદદ મોકલી રહ્યા છીએ’ તેવી ધમકી આપતા હતા, તેમણે વલણ નરમ પાડતા કહ્યું કે, ‘ઈરાન હવે દેખાવકારોને ફાંસી આપશે નહીં તેવી અમને આશા છે.’ ઈરાની રાજદૂતના જણાવ્યા મુજબ, ટ્રમ્પે પોતે ફોન કરીને જાણ કરી હતી કે અમેરિકા હુમલો નહીં કરે.
નિષ્ણાતો માને છે કે આ પીછેહઠ પાછળ રશિયા કે ચીન નહીં, પરંતુ અમેરિકાના આ ચાર નજીકના આરબ સાથી દેશોનું દબાણ સૌથી વધુ અસરકારક સાબિત થયું છે.

