કોર્પોરેશનની ખોખલી કાર્યવાહી , માત્ર ૫૦ હજાર લઈ નિકોલમાં દાસ ખમણનું સીલ ખોલી આપ્યું | Corporation’s hollow actions

![]()
અમદાવાદ,ગુરુવાર,15 જાન્યુ,2026
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ તરફથી
કરાયેલી ખોખલી કાર્યવાહીનો ઘટસ્ફોટ થયો છે. નિકોલમાં આવેલા દાસ ખમણના એકમને ૧૩ જાન્યુઆરીએ
ગંદકી ઉપરાંત રજિસ્ટ્રેશન કે લાયસન્સ નહી હોવાના કારણસર ફુડ વિભાગે સીલ કર્યુ હતુ.
આ સીલ કરેલા એકમને માત્ર ૫૦ હજાર પેનલ્ટી લઈ ફુડ વિભાગના અધિકારીઓએ ગણતરીના
કલાકોમા જ ખોલી આપ્યુ હતુ. રાજકીય દબાણને ફુડ વિભાગના અધિકારીઓ તાબે થઈ ગયા હતા.
નિકોલમાં મંગળવારે ફુડ વિભાગના અધિકારીઓ દાસ ખમણના એકમની
તપાસ માટે ગયા હતા. એ સમયે એકમમા પુષ્કળ ગંદકી હોવા ઉપરાંત રજિસ્ટ્રેશન કે લાયસન્સ
પણ નહીં હોવાનુ ફુડ વિભાગના અધિકારીએ કારણ આપીને એકમ સીલ કરી દીધુ હતુ.આશ્ચર્યજનક
રીતે બીજા જ દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે નિકોલના દાસ ખમણનુ સીલ ખુલી ગયુ હતુ.
કોર્પોરેશન તરફથી ગંદકી કરવા બદલ પાનનો ગલ્લો સીલ કરવામા આવે તો તેવા કિસ્સામા પણ
એફિડેવીટ કોર્પોરેશનમા આપ્યા પછી પણ પંદર
દિવસ સુધી સીલ ખોલવામા આવતુ નથી. ત્યારે દાસ ખમણના એકમનુ સીલ ગણતરીના કલાકોમાં
ખોલી અપાયુ હતુ. ફુડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડોકટર તેજસ શાહને પુછતા તેમણે કહયુ, એકમ પાસે
રજિસ્ટ્રેશન હતુ. અને પચાસ હજારની હેવી પેનલ્ટી કર્યા પછી સીલ ખોલી આપવામા આવ્યુ
છે. ટૂંકમાં કોર્પોરેશનના ફુડ વિભાગના અધિકારીઓએ માત્ર ૫૦ હજારમાં લોકોના જાહેર
આરોગ્યનો સોદો કર્યો એમ કહી શકાય.



