નાગલપરમાં પાણી-ગટર લાઈનના ધોરણવિહિન કામ સામે રહીશોમાં રોષ | Residents angry over substandard work on water and sewer lines in Nagalpar

![]()
કલ્પવૃક્ષ – નિલકંઠ સોસાયટીના રહેવાસીઓની પંચાયતમાં રજુઆત
નબળી ગુણવત્તા, યોગ્ય લેવલનો અભાવ, લાઈનની ઊંડાઈ નિયમ મુજબ ન હોવા સહિતના રહીશોના આક્ષેપ
ભુજ: અંજાર તાલુકાના નાગલપર ગામે આવેલી કલ્પવૃક્ષ સોસાયટી તથા નિલકંઠ સોસાયટીને જોડતી પાણી તથા ગટર લાઈન નાખવાની કામગીરી અત્યંત નબળી, ધોરણવિહિન તેમજ ગુણવત્તા વિહીન કરવામાં આવી રહી હોવાનું રહીશોએ ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું છે. કામગીરી દરમિયાન નક્કી કરેલા ટેકનિકલ ધોરણોનું પાલન થતું નથી તેમજ ગુણવત્તા અંગે ખુલ્લેઆમ બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું.
રહિશોએ જણાવ્યું હતું કે, કામગીરીમાં નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ, યોગ્ય લેવલ ન રાખવો, ગટર અને પાણી લાઈનની ઊંડાઈ નિયમ મુજબ ન હોવી, તેમજ કામ પૂર્ણ થયા બાદ રસ્તા અને આસપાસના વિસ્તારોને પૂર્વવત સ્થિતિમાં ન લાવવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ તમામ બાબતોને કારણે કાર્યમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગંભીર શંકા પણ વ્યકત કરવામાં આવી હતી.
આ નબળી કામગીરીને કારણે ભવિષ્યમાં ગટર ઉભરાવા, પાણી લીકેજ, દુર્ગંધ ફેલાવા, રસ્તા ધસી પડવા તથા આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાવાની સંભાવના હોવાનું રહીશોએ ચેતવણી આપી હતી. સાથે જ, ફરીથી ખોદકામ કરવાની ફરજ પડે તો જાહેર નાણાંનો વ્યર્થ ખર્ચ થવાની શક્યતા હોવાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આ મુદેઅગાઉ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા, અંતે નાગલપર પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થઈ સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો હતો. રહીશોએ સમગ્ર કામગીરીની તપાસ કરાવી જવાબદાર કોન્ટ્રાક્ટર તથા સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગ કરી હતી.
આ વિરોધ દરમિયાન કલ્પવૃક્ષ તથા નિલકંઠ સોસાયટીના મોટી સંખ્યામાં રહીશો હાજર રહ્યા અને ગુણવત્તાયુક્ત તથા નિયમસર કામગીરી કરવામાં ન આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.



