અમેરિકા સામે યુરોપના છ દેશોની સેના ગ્રીનલેન્ડમાં તૈનાત | Six European countries’ armies deployed in Greenland against America

![]()
– દુનિયાનું સૌથી મોટું સૈન્ય સંગઠન ‘નાટો’ તૂટવાના આરે
– યુરોપના દેશોએ ગ્રીનલેન્ડમાં યુદ્ધાભ્યાસ વધાર્યો, જહાજ, ડ્રોન, ફાઈટર વિમાન તૈનાત કરવાની તૈયારી
– ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણથી ઓછું બીજું કશું જ નહીં : પ્રમુખ ટ્રમ્પ
નૂક (ગ્રીનલેન્ડ) : વેનેઝુએલા પર અમેરિકાની સૈન્ય કાર્યવાહી અને પ્રમુખ નિકોલસ માદુરો તથા તેમના પત્ની સિલિઆ ફ્લોરેસનું અપહરણ કરી અમેરિકા ઉઠાવી ગયા પછી પ્રમુખ ટ્રમ્પ વારંવાર ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો દાવો કરતા રહ્યા છે. આવા સમયે હવે ડેન્માર્કના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડમાં અમેરિકાની સામે ડેન્માર્ક જ નહીં જર્મની, ફ્રાન્સ, સ્વીડન સહિત યુરોપના છ દેશોએ તેમની સેના તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. ડેન્માર્ક અને ફ્રાન્સના સૈન્યની એક ટૂકડી ગુરુવારે ગ્રીલેન્ડ પહોંચી હતી અને અન્ય દેશોમાંથી પણ ટૂકડીઓ રવાના કરાઈ છે. નૂકમાં સૈન્ય બેઠ પર સી-૧૩૦ હરક્યુલિસ સૈન્ય વિમાનના પહોંચવાનો વીડિયો વાયરલ થયો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખનીજોથી સમૃદ્ધ ટાપુ દેશ ગ્રીનલેન્ડને અમેરિકાનું રાજ્ય બનાવવા માટે નિવેદનો કરતા રહ્યા છે. આ માટે અમેરિકન સંસદમાં એક બિલ પણ રજૂ કરાયું છે ત્યારે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે તણાવ વધ્યો છે. યુરોપીયન દેશોની આર્મી સી-૧૩૦ હરક્યુલિસ સૈન્ય વિમાનમાં ગ્રીનલેન્ડના નૂકમાં મિલિટ્રી બેઝ પર પહોંચી રહી છે. અનેક યુરોપીયન દેશોએ ડેન્માર્કમાં સૈન્યની તૈનાતી અને યુદ્ધાભ્યાસ વધારી દીધો છે.
ડેનિશ સંરક્ષણ મંત્રી ટ્રોલ્સ લૂંડ પોલસેને કહ્યું હતું કે, ડેન્માર્ક ગ્રીનલેન્ડ અને તેની આજુબાજુ સૈન્ય પ્રવૃત્તિ વધારશે. રાસમુસેને કહ્યું કે, તેમનો દેશ આર્કટિકમાં સુરક્ષા મજબૂત કરી રહ્યો છે. ત્યાં જહાજ, ડ્રોન, ફાઈટર વિમાન તૈનાત કરવાની તૈયારી ચાલી રહી છે. ડેન્માર્કની સાથે ફ્રાન્સ, જર્મની, નોર્વે અને સ્વીડન સહિત યુરોપના અન્ય દેશોએ પણ તેમની સેના ગ્રીનલેન્ડ મોકલવાનું શરૂ કરી દીધું છે.
ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ કહ્યું કે, ફ્રાન્સની સેનાની પહેલી ટૂકડી નીકળી ગઈ છે અને અન્ય સૈનિકો પણ પહોંચશે. જર્મનીના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, જર્મનીએ પણ તેમના સૈનિકોને ગ્રીલેન્ડ મોકલવા રવાના કર્યા છે. તેઓ ગ્રીનલેન્ડમાં નાટો સભ્યો સાથે સૈન્ય ક્ષમતા વધારશે. નાટોના એક અધિકાર મુજબ નાટો પણ તેના સૈનિકોને આર્કટિકમાં મોકલવા તૈયારી કરી રહ્યું છે.
આ તણાવપૂર્ણ સ્થિતિમાં ડેન્માર્કના વિદેશ મંત્રી લાર્સ બોકે રાસમુસેન અને ગ્રીનલેન્ડના વિદેશ મંત્રી વિવિયન મોઝફેલ્ટે બુધવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મંત્રણા કરી હતી.
આ મંત્રણા પછી ડેન્માર્કે સ્પષ્ટ કહી દીધું છે કે, ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને ડેન્માર્ક વચ્ચે મૂળભૂત મતભેદો છે. કોલ્ડ વોર દરમિયાન થયેલી સમજૂતી પ્રમાણે અમેરિકાને ત્યાં સૈનિકો રાખવાનો ૧૯૫૧ થી અધિકાર મળ્યો છે. હાલ ગ્રીનલેન્ડમાં અમેરિકાના મથક ઉપર ૨૦૦ સૈનિકો તૈનાત છે અને આ મથક ઉપરથી સ્પેસ સર્વિલન્સ રેડાર, અર્લી વોર્ગ માટે કાર્યવાહી સતત ચાલતી જ રહી છે. રશિયા અને ચીનનો સામનો કરવા માટે અમેરિકા તૈનું સર્વેલન્સ વધારી શકે છે, પરંતુ ટ્રમ્પનું કહેવું છે કે તેમને ગ્રીનલેન્ડ પર અમેરિકન કબજા સિવાય કશું જ મંજૂર નથી. ટ્રમ્પની આ ધમકીના પગલે હવે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને યુરોપ સામ-સામે આવી ગયા છે.



