અવકાશયાત્રી બીમાર પડતા નાસાએ મિશન વહેલું સમેટયુ | NASA ends mission early after astronaut falls ill

![]()
– મિશન નિયત સમય કરતાં મહિનો વહેલું પુરું થયું
કેપ કેનેવરલ(અમેરિકા) : નાસાના સૌપ્રથમ મેડિકલ ઇવેક્યુએશનમાં માંદા પડેલા અવકાશયાત્રીને બીજા ત્રણની સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી એક મહિનો વહેલો પરત લાવવામાં આવ્યા છે.
ચારેય અવકાશયાત્રી સ્પેસ સ્ટેશનમાં કુલ ૧૬૭ દિવસ વીતાવીને પરત ફર્યા
સ્પેસેક્સની કેપ્સ્યુલ તેમને સાન ડીયેગો નજીક પેસિફિકમાં ઉતાર્યા હતા. આમ અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાંથી નીકળ્યાના ૧૧ કલાકથી પણ ઓછા સમયમાં પૃથ્વી પર ઉતર્યા હતા.
ક્રૂના એક સભ્યને તબીબી સમસ્યા થતાં આ મિશન નિયત સમય કરતાં એક મહિનો વહેલા બંધ રાખવાની ફરજ પડી હતી. નાસાના એસ્ટ્રોનોટ જેના કાર્ડમેન મિશન કમાન્ડર હતા અને માઇક ફિન્ક પાયલોટ હતા. જ્યારે જાપાન એરોસ્પેસ એકસ્પ્લોરેશન એજન્સીની અવકાશયાત્રી કિમિયા સુઈ હતી. આ સિવાય રશિયન અવકાશયાત્રી ઓલેગ પ્લેટોનોવ હતા.
આ ચારેય અંતરિક્ષ યાત્રી સ્પેસ સ્ટેશનમાં પર કુલ ૧૬૭ દિવસ વીતાવી પૃથ્વી પર પરત ફર્યા છે. આ મિશન ઓગસ્ટ ૨૦૨૫માં શરૂ થયુ હતુ. તેમા જેના કાર્ડમેન અને ઓલેગ પ્લેટોનોવની આ પહેલી ફ્લાઇટ હતી. જ્યારે માઇક ફિન્કે અને કિમિયા સુઈ અનુભવી અવકાશયાત્રી છે.
નાસાએ ૮મી જાન્યુઆરીએ જણાવ્યું હતું કે ક્રૂના એક સભ્યને તબીબી તકલીફ થતા સ્પેસ વોક રદ કરવામાં આવી છે. તેના પગલે મિશનને એક મહિના પહેલાં ખતમ કરવાનો નિર્ણય લેવાયો. નાસાએ જણાવ્યું હતું કે ક્રૂના સભ્યની સ્થિતિ સ્થિર છે. તેને પૃથ્વી પર તાત્કાલિક સારવારની જરૂર હતી. તેથી આ મિશન વહેલા ખતમ કરવાનો નિર્ણય લેવાયો.



