જીવસૃષ્ટિને ધ્રૂજાવી દેતો શિયાળો : 2.5 ડિગ્રીએ ગિરનાર ટાઢોબોળ | Winter that shakes the ecosystem: Temperatures plummet to 2 5 degrees

![]()
અમરેલી 6.0 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર : કચ્છના ‘કોલ્ડ-સ્પોટ’ નલિયા કરતા પણ જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, કેશોદમાં વધુ ઠંડી : જનજીવન ઠુંઠવાયું
રાજકોટ, : પૂર્વોત્તરના કાશ્મીર-હિમાલય ક્ષેત્રની બરફવર્ષા વચ્ચે બર્ફીલા પવનો છેલ્લા એક સપ્તાહથી ગુજરાત ઉપર ફરી વળતા ચાલુ થયેલી ધૂ્રજાવી દેતી કાતિલ ઠંડી ગઈકાલે ઉત્તરાયણ બાદ આજે પણ ચાલુ રહી છે. જીવસૃષ્ટિને ધૂ્રજાવી દેતો શિયાળાના આકરાં મિજાજ વચ્ચે આજે 2.5 ડિગ્રીએ ગિરનાર પર્વત જાણે હિમાલય જેવો ટાઢોબોળ બની ગયો હતો. જ્યારે અમરેલી 6.0 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. વળી, કોલ્ડ-સ્પોટ ગણાતા કચ્છના નલિયા કરતા પણ આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, કેશોદમાં વધુ ઠંડી પડતા જનજીવન ઠુંઠવાયું હતું.
રાજકોટ શહેરમાં આજે સતત ચોથા દિવસે તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે રહ્યો હતો. એ જ રીતે આજે અમરેલીમાં ન્યુનતમ તાપમાન ગગડીને 6.0 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો ધ્રૂજી ઉઠયા હતા. જ્યારે આજે જૂનાગઢમાં લઘુતમ તાપમાનમાં એકાએક કડાકો બોલી ગયો હતો. એક જ દિવસમાં થર્મોમીટરનો પારો 3.7 ડિગ્રી ગગડવા સાથે તાપમાન 7.5 ડિગ્રી નોંધાતા આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ગિરનાર પર્વત પર 2.5 સે. તાપમાન અને બર્ફીલા પવનની અનુભૂતિ થઈ હતી. જોકે વહેલી સવારે ધુમ્મસના કારણે ગિરનારે વાદળોની ચાદર ઓઢી હોય તેવો નજારો નિહાળી પ્રવાસીઓ રોમાંચિત થયા હતા.
જામનગરમાં 8.5 ડિગ્રી ઠંડી સાથે શીતલહેર અનુભવાઈ હતી. ખંભાળિયામાં પણ 10 ડિગ્રી નજીક તાપમાનનો પારો પહોંચી ગયો હતો. પોરબંદરમાં 8.9 ડિગ્રી, કેશોદમાં 7.4 ડિગ્રી, જ્યારે કચ્છના નલિયામાં 9.6 અને કંડલામાં 7.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જાન્યુઆરી માસના પ્રારંભથી જ શિયાળાની મોસમ જામી હોય તેમ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષાની અસરના કારણે ઠંડીનું જોર વધ્યું છે. તાપમાનમાં ફેર બદલ સાથે ભેજમાં વધારો અને ઠંડો પવન ફૂંકાતા ઠારના કારણે જનજીવનને અસર થઈ છે.



