રોટલો બનાવવા મુદ્દે થયેલી મારામારીમાં બે ઘવાયા, ત્રણની ધરપકડ | Two injured three arrested in fight over roti making

![]()
શહેરના અવધૂત ફાટક પાસે ફૂટપાથ પર રોટલો બનાવવા મુદ્દે થયેલી મારામારીમાં સાળા-બનેવીને ઈજા પહોંચતા ફરિયાદના આધારે રાવપુરા પોલીસે હુમલાખોર ત્રિપુટી વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળદાહોદનો અને હાલ વિશ્વામિત્રી બ્રિજ પાસે સુભાષ નગરમાં રહેતો ૩૫ વર્ષનો સુનિલ નિનામા છૂટક મજૂરી કરે છે. તેણે નોંધાવેલી ફરિયાદ મુજબ, સુનિલ ગઈકાલે તેના બનેવી અમરસિંહ પરમાર સાથે મામા રમેશભાઈને મળવા માટે અવધુત ફાટક પાસે આવેલા તેમના ફૂટપાથ પરના ઝુંપડામાં ગયા હતા.
રમેશભાઈના ઝુંપડાની બાજુમાં રહેતા મનીષ નીનામાએ ત્યાં જ રોટલો બનાવવા માટે કહ્યું હતું. આ બાબતે રમેશભાઈએ મહેમાન આવ્યા હોવાની વાત કરી અન્ય જગ્યાએ રોટલો બનાવવા જણાવ્યું હતું. જોકે મનીષે ત્યાં જ રોટલો બનાવવાની જીદ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.
આ દરમિયાન મનીષના પિતા ખુમાનસિંહ નીનામા અને તેનો મિત્ર અક્ષય માળીએ મનીષનું ઉપરાણું લઈ નજીકમાંથી લાકડું લાવી સુનિલ અને અમરસિંહ પરમારના માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી.
બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ફરિયાદના આધારે પોલીસે મનીષ નીનામા અને તેના પિતા ખુમાનસિંહ નીનામા (બંને રહે – અવધૂત ફાટક પાસે) તેમજ અક્ષય માળી (રહે – વિશ્વામિત્રી, મહાકાળી નગર) સામે ગુનો નોંધ્યો છે.



