ઈરાન પર અમેરિકાના હુમલાની આશંકાથી પાકિસ્તાનમાં કેમ ફફડાટ? બલોચિસ્તાનને લઈને વધ્યું ટેન્શન | US Iran Conflict Impact on Pakistan Balochistan at Risk

![]()
US Iran Conflict Impact on Pakistan : ઈરાન પર અમેરિકાના હુમલાની આશંકાથી પાકિસ્તાનમાં ફફડાટ છવાયો છે. અમેરિકાના હુમલાને લઈને વધતા જોખમ વચ્ચે પાકિસ્તાનને ડર છે કે, જો ઈરાનમાં સત્તા બદલી વિદ્રોહની આગ તેમના ત્યાં પણ લાગશે. પાકિસ્તાનનો અશાંત બલોચિસ્તાન પ્રાંત ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન સાથે સરહદે આવેલો છે, જ્યાં દાયકાઓથી સ્વતંત્રતાની માગ ઉઠી રહી છે. એટલે પાકિસ્તાનને બલોચિસ્તાનને લઈને પણ ટેન્શન વધ્યું છે.
ઈરાન પર અમેરિકાના હુમલાની આશંકાથી પાકિસ્તાનમાં ફફડાટ
ઈરાનમાં અમેરિકાના હુમલાથી સ્થિત વધુ બગડી તો પાકિસ્તાનના આ વિસ્તારમાં વિદ્રોહીઓ વધુ સક્રિય થવાની આશંકા છે. પાકિસ્તાનમાં આ વાત ઘણી ચર્ચામાં છે અને ડિપ્લોમેટ્સનું કહેવું છે કે, ઈરાની શાસનનું પડી ભાંગવું એ પાકિસ્તાન માટે તબાહી લાવશે.
પાકિસ્તાનના મુખ્ય અખબાર ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ માં એક વિશ્લેષણાત્મક લેખ પ્રકાશિત થયો છે. જેમાં પાકિસ્તાની નિષ્ણાતો અને અધિકારીઓને ટાંકીને લખવામાં આવ્યું છે કે, ‘પાકિસ્તાન ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છતું નથી, કારણ કે તેની કિંમત તબાહી હશે.’
પાકિસ્તાન માટે ઈરાન કોઈ દૂરની ચિંતા નથી. બંને દેશો લગભગ 900 કિલોમીટરની સરહદ ધરાવે છે. જે પાકિસ્તાનના સૌથી સંવેદનશીલ પ્રાંત બલોચિસ્તાનમાંથી પસાર થાય છે. ઈરાનમાં કોઈપણ અશાંતિના સીધા પરિણામો સરહદ પાર આતંકવાદ, હથિયારોની દાણચોરી, શરણાર્થીઓનો ધસારો અને આર્થિક અસ્થિરતાના સ્વરૂપમાં થઈ શકે છે.
ઈરાનમાં અસ્થિરતાની સીધી અસર પાકિસ્તાનને
ઈરાનમાં પાકિસ્તાનમાં પૂર્વ રાજદૂત આસિફ દુર્રાનીએ કહ્યું કે, ‘ઈરાનમાં કોઈપણ પ્રકારના બદલાવની સીધી અસર પાકિસ્તાન પર પડશે.’ ઈરાનમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે, તેમાં પાકિસ્તાન સૌથી વધુ બલોચિસ્તાનને લઈને ચિંતામાં છે. ઈરાનના સિસ્તાન-બલોચિસ્તાન પ્રાંતમાં બલોચ જનજાતિના લોકો રહે છે, જેમના પાકિસ્તાનના બલોચ વિસ્તારો સાથે વંશીય, આદિવાસી અને ભાષાકીય સંબંધો છે.
ઈરાનમાં અસ્થિરતા આવે તો બલોચિસ્તાનના વિદ્રોહી નેટવર્કને પ્રોત્સાહન મળી શકે છે, જેથી તો સુરક્ષિત ઠેકાણાઓનો ફાયદો ઉઠાવીને સીમા પાર પ્રવૃત્તિઓ વધારી શકે છે. પાકિસ્તાનના સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે, બલોચિસ્તાનમાં આતંકવાદ સામે પાકિસ્તાન જે કાંઈ પણ સફળતા મેળવી છે, ઈરાનમાં અરાજકતા ફેલાઈ તો આ બધા પર પાણી ફરી વળશે.
બલોચિસ્તાન પાકિસ્તાનથી અલગ થવાનું જોખમ
બલોચિસ્તાનમાં અનેક વિદ્રોહી જૂથો સક્રિય છે, જે વારંવાર પ્રાંતમાં તૈનાત સુરક્ષા દળોને નિશાન બનાવે છે અને ચીની પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચાડે છે. બલોચિસ્તાનમાં ચીનનો મહત્ત્વાકાંક્ષી ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, અને વધુ અશાંતિ તેને ગંભીર નુકસાન પહોંચાડશે. બલોચિસ્તાનના વિદ્રોહીએ જણાવ્યું હતું કે, બલોચિસ્તાન પાકિસ્તાનનો ભાગ નથી અને જો તેમની હિલચાલ તીવ્ર બનશે, તો બલોચિસ્તાન પાકિસ્તાનથી અલગ થવાનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચો: 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની પડખે હતું ઈરાન! રાજાના પુત્રની સત્તાવાપસીથી ભારતનું ટેન્શન વધશે
પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવ ઝોહર સલીમનું કહેવુ છે કે, ગઈ વખતે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ઉભો થયો હતો ત્યારે પાકિસ્તાને ખુલ્લેઆમ ઈરાનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વને ટેકો આપ્યો હતો. ઝોહરે ચેતવણી આપી હતી કે, વર્તમાન પરિસ્થિતિમાં કોઈપણ બાહ્ય હસ્તક્ષેપ ભલે તે આર્થિક, સાયબર અથવા લશ્કરી હોય પરિસ્થિતિને વધુ ખરાબ કરશે અને પહેલાથી જ તણાવગ્રસ્ત દેશને વધુ અસ્થિર બનાવશે.
પાકિસ્તાનમાં વધશે શરણાર્થીનું સંકટ
વર્ષ 2021માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર બીજી વખત કબજો કર્યો હતો, ત્યારે ત્યાંથી લાખોની સંખ્યામાં અફઘાન શરણાર્થીઓ પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાન પહેલાથી આર્થિક દબાણ હેઠળ છે. લાખો અફઘાન શરણાર્થીઓએ તેની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ઈરાનમાં શાસન પરિવર્તન અથવા યુએસ લશ્કરી હસ્તક્ષેપ પાકિસ્તાનમાં બીજા મોટા શરણાર્થી સંકટ તરફ દોરી શકે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ના લોન પર નિર્ભર પાકિસ્તાન, બીજા મોટા શરણાર્થી પ્રવાહને સંભાળવા માટે તૈયાર નથી.
ઈરાનમાં સત્તા પરિવર્તન પાકિસ્તાનમાં તબાહી લાવશે
પાકિસ્તાની એક્સપર્ટ્સનું કહેવું છે કે, ઈરાનમાં જબરદસ્તી સત્તા પરિવર્તનની અસર માત્ર પાકિસ્તાન સુધી સીમિત રહેશે નહીં. તેનાથી સમગ્ર મધ્ય-પૂર્વમાં તિરાડ વધુ ઊંડી થઈ શકે છે, પ્રોક્સી યુદ્ધ વધી શકે છે અને ચીન, રશિયા તેમજ તૂર્કીયે પણ તેમાં સામેલ થઈ શકે છે.
પાકિસ્તાન ઉર્જા, વેપાર અને તેના વિદેશી કામદારોની કમાણી માટે ગલ્ફ ક્ષેત્રની સ્થિરતા પર આધાર રાખે છે. જો આ ક્ષેત્ર અસ્થિર બનશે, તો પાકિસ્તાનને ખોરાક ખરીદવા માટે પણ સંઘર્ષ કરવો પડશે. પાકિસ્તાની મીડિયા અહેવાલ મુજબ, ‘ઈરાનમાં સત્તાનું પતન પાકિસ્તાન માટે એક મોટી વ્યૂહાત્મક આપત્તિ હશે.’



