વિસાવદરના ચાપરડા નજીક ભયાનક અકસ્માત: બાઈકચાલકને બચાવવા જતાં કાર ચબૂતરા સાથે અથડાઈ, બેના મોત | Junagadh Accident: Car Crashes into Bird Feeder While Avoiding Bike Two Dead

![]()
Junagadh Accident: જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં આજે (15મી જાન્યુઆરી) એક કાળજું કંપાવી દે તેવી અકસ્માતની ઘટના બની છે. ચાપરડા ગામની સીમમાં એક બેકાબૂ કાર પક્ષીઓના ચબૂતરા સાથે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
કેવી રીતે અકસ્માત સર્જોયો?
મળતી વિગતો અનુસાર, એક પરિવાર કારમાં સવાર થઈને ચાપરડા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી એક બાઈકચાલક અચાનક આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે જતી કાર રસ્તાની બાજુમાં આવેલા પક્ષીઓના ચબૂતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ખેતરોમાંથી લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારનો કુરચો બોલી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
જાનહાનિ અને ઈજાગ્રસ્તોની સ્થિતિ
અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. અન્ય પાંચ લોકોને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ વિસાવદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


