गुजरात

વડોદરામાં પતંગ લૂંટવા જતાં કરંટ લાગ્યો, યુવકનું મોત, જ્યારે આધેડ ત્રીજા માળેથી નીચે પટકાયા | Makar Sankranti Turns Fatal in Vadodara as Youth Electrocuted While Catching Kite



Vadodara Kite Festival Tragedy: ઉત્તરાયણના પર્વે વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં એક કરુણ દુર્ઘટના સામે આવી છે. ધાબા પર પતંગ ચગાવતી વખતે કપાયેલી પતંગની દોરી પકડવા જતાં એક યુવાન હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવી ગયો હતો. જોરદાર વીજ કરંટ લાગવાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવારનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુરના ટીમલા ગામના વતની અને હાલ વાઘોડિયાના પવલેપુર ગામની ‘અક્ષર યુગ સોસાયટી’માં રહેતા 34 વર્ષીય શંકર રાઠવા વડોદરાની સયાજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી ઇન્દુમતી ઠાકોરભાઈ પટેલ ટ્રસ્ટમાં ફરજ બજાવતા હતા. ઉત્તરાયણના (14મી જાન્યુઆરી) દિવસે તેઓ પોતાના પરિવાર સાથે ઘરના ધાબા પર પતંગબાજીનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન  ધાબા પરથી એક કપાયેલી પતંગ પસાર થઈ રહી હતી, જેને પકડવા માટે શંકરભાઈએ હાથ લંબાવ્યો હતો. પતંગની દોરી પકડવાના પ્રયાસમાં તેમનો હાથ ધાબા પાસેથી પસાર થતી હાઈટેન્શન લાઈનને અડી ગયો હતો. જોરદાર કરંટ લાગતા તેઓ ધાબા પર જ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને બચાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. 34 વર્ષીય યુવાનના અકાળે અવસાનથી પવલેપુર ગામ અને તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં પંતગ દોરીએ 3 લોકોના જીવ લીધા, પિતા-પુત્રી બ્રિજથી પટકાયા, યુવકનું ગળું કપાયું

પતંગ પકડવા જતા ત્રીજા માળથી પટકાયેલા આધેડનું રેસ્ક્યૂ 

વડોદરાના દાંડિયા બજાર રાવપુરા વિસ્તારમાં પતંગ પકડવા જતા ત્રીજા માળની કેબિન પરથી બાજુના મકાનના ધાબા પર પટકાયેલા આધેડને ગંભીર ઈજાઓ થતા ફાયર બ્રિગેડ દ્વારા દિલ ધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

નવરંગ સિનેમા પાસે ત્રણ માળના એક મકાનની ઉપરની કેબિન ઉપર 52 વર્ષીય હરીશ રાણા પતંગ પકડવા જતા બાજુના બંધ મકાનની બીજા માળની ટેરેસ પર પડ્યા હતા. જેને કારણે તેમને માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. વળી બાજુનું મકાન બંધ હોવાથી તેમને સારવાર માટે લઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ પણ ન હતી. આખરે ફાયર બ્રિગેડની મદદ લેવાતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડના સૈનિક સલીમભાઈ અને સ્ટાફના માણસો બનાવના સ્થળે પહોંચ્યા હતા અને અડધો કલાક ની કામગીરી કરી ખૂબ જ સાવધાની પૂર્વક ઈજગ્રસ્તનું રેસ્ક્યુ કર્યું હતું.

ઈજાગ્રસ્ત આધેડ જે મકાનની ટેરેસ પર પડ્યા તે બંધ હોવાથી ત્યાંથી કાઢી શકાય તેમ ન હતું. જેને કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને ફરીથી ત્રીજા માળે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી સીડી મારફતે નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.



Source link

Related Articles

Back to top button