ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અંગે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફરી ચુકાદો આપવાનું ટાળ્યું, મામલો ગૂંચવાયો | us supreme court defers ruling on donald trump reciprocal tariffs case

![]()
Reciprocal Tariffs Case: અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ‘રેસિપ્રોકલ ટેરિફ’ પર અમેરિકન સુપ્રીમ કોર્ટે આજે પણ કોઈ ચુકાદો આપ્યો નથી. કોર્ટે આ મામલે બીજી વખત નિર્ણય ટાળ્યો છે. અગાઉ 9 જાન્યુઆરીએ પણ કોર્ટે આ કેસમાં ચુકાદો આપવાનું ટાળ્યું હતું. હવે આ કેસ પર ચુકાદો ક્યારે આવશે, તે અંગે કોર્ટ તરફથી હાલ કંઈ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટે આજે ત્રણ અન્ય કેસમાં ચુકાદા જરૂર આપ્યા હતા, પરંતુ ટેરિફ અંગેના કેસ પર ન તો કોઈ ચર્ચા થઈ અને ન તો સ્પષ્ટતા કરવામાં આવી કે આગામી સુનાવણી ક્યારે હાથ ધરવામાં આવશે. આ મામલો હાલ અનિશ્ચિતતામાં ફસાયેલો છે.
રાષ્ટ્રપ્રમુખે પોતાની મર્યાદા ઓળંગી?
આ કેસ એ બાબતની તપાસ સાથે જોડાયેલો છે કે શું રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પોતાના બંધારણીય અને કાયદાકીય અધિકારોની મર્યાદા ઓળંગીને લગભગ તમામ મોટા અમેરિકી વ્યવસાયિક ભાગીદારો પર 10% થી 50% સુધીનો ટેરિફ એકતરફી રીતે લાગુ કરી દીધો છે? ટ્રમ્પે આ ટેરિફને યોગ્ય ઠેરવવા માટે 1977ના ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) નો ઉપયોગ કર્યો હતો અને વ્યાપારિક નુકસાન તથા ફેન્ટાનિલ જેવા બિનકાયદેસર ડ્રગ્સની તસ્કરીને ‘રાષ્ટ્રીય કટોકટી’ (National Emergency) ગણાવી હતી.
ડેમોક્રેટ વેપારીઓએ કોર્ટમાં અરજી કરી
બીજી તરફ, ડેમોક્રેટ શાસિત 12 અમેરિકન રાજ્યોના ડેમોક્રેટિક ઝુકાવ ધરાવતા વેપારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, IEEPA કાયદાનો હેતુ કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો હતો, નહીં કે વ્યાપક વ્યાપાર નીતિ લાગુ કરવાનો. અરજદારોનો તર્ક છે કે, ટેરિફ નિર્ધારિત કરવાનો અધિકાર મુખ્યત્વે ‘કોંગ્રેસ’ (અમેરિકન સંસદ) પાસે છે, રાષ્ટ્રપ્રમુખ પાસે નહીં. અગાઉ પણ નીચલી ફેડરલ કોર્ટ ટ્રમ્પ સરકારના અનેક ટેરિફને ગેરબંધારણીય ગણાવી ચૂકી છે, ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. નવેમ્બર 2025માં થયેલી મૌખિક સુનાવણી દરમિયાન સંકેત મળ્યા હતા કે, રૂઢિચુસ્ત અને ઉદારવાદી બંને પ્રકારના ન્યાયાધીશો રાષ્ટ્રપ્રમુખની કટોકટીની સત્તાઓના આ અર્થઘટન અંગે દ્વિધામાં છે.
અમેરિકાને ડ્યૂટી પરત આપવી પડી શકે છે
જો કોર્ટ ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપે છે, તો અમેરિકી સરકારને આશરે 130 થી 150 અબજ ડોલર જેટલી વસૂલવામાં આવેલી ડ્યૂટી પરત આપવી પડી શકે છે. ખુદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે, જો સરકાર આ કેસ હારે છે તો તે દેશ માટે આર્થિક કટોકટી સાબિત થશે.
આ પણ વાંચો: ‘તાત્કાલિક ઈરાન છોડી દો…’, ખામેનેઈ વિરોધી પ્રદર્શનો વચ્ચે ભારતીયો માટે એડવાઈઝરી જાહેર



