‘તાત્કાલિક ઈરાન છોડી દો…’, ખામેનેઈ વિરોધી પ્રદર્શનો વચ્ચે ભારતીયો માટે એડવાઈઝરી જાહેર | india issues urgent leave iran advisory indian embassy warns citizens us iran tensions

![]()
Iran Tension: ઈરાન હાલ સળગતા બોમ્બ પર બેઠું છે. મોટી સંખ્યામાં લોકોનાં મોત બાદ પણ ઇરાની સરકાર ઝુકવા માટે તૈયાર નથી. એક તરફ ખામેનેઇએ પ્રદર્શનકર્તાઓને મોતની સજા ફટકારવાનું ફરમાન જાહેર કર્યું છે. બીજી તરફ ટ્રમ્પે પણ મદદ મોકલવા માટેની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ અમેરિકા મદદ અને હુમલો બંને સાથે કરે તેવી શક્યતાઓ વધી ગઇ છે. જેના કારણે મોટાભાગના દેશો દ્વારા પોતપોતાના નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને તબક્કાવાર એડવાઇઝરી જાહેર કરી ચૂક્યાં છે. જેમાં મોટાભાગના દેશોએ તો નાગરિકોને ઈરાન છોડી દેવા માટે જ અપીલ કરી દીધી છે.
ઈરાનમાં તણાવ: ભારતીય નાગરિકો માટે તાકીદની એડવાઈઝરી
1. મુસાફરી ટાળવા માટે સૂચના: ભારતીય વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તેઓ આગામી આદેશ સુધી ઈરાનની કોઈપણ બિનજરૂરી મુસાફરી (non-essential travel) ટાળે. સુરક્ષાની સ્થિતિ ગંભીર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
2. ઈરાનમાં રહેતા ભારતીયો માટે સાવચેતી: જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે, તેમને અત્યંત સાવધ રહેવા અને સુરક્ષિત સ્થાનો પર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. દૂતાવાસે ખાસ કરીને વિરોધ પ્રદર્શનો થતા હોય તેવા વિસ્તારો અથવા ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાની કડક સૂચના આપી છે.
3. દૂતાવાસમાં રજિસ્ટ્રેશન: ઈરાનમાં વસતા ભારતીય મૂળના લોકો અને લાંબા ગાળાના વિઝા પર રહેતા નાગરિકોને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસમાં તાત્કાલિક પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. આનાથી કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં સરકાર તેમનો સંપર્ક કરી શકે અને જરૂરી મદદ પહોંચાડી શકે.
શા માટે આ એડવાઈઝરી બહાર પાડવામાં આવી?
• હિંસક પ્રદર્શનો: ઈરાનમાં મોંઘવારી અને સરકાર સામેના વિરોધ પ્રદર્શનો તેજ બન્યા છે, જેમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયાના અહેવાલ છે.
• અમેરિકા સાથેનો તણાવ: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર તંગ બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઈરાન સામે કડક વલણ અપનાવ્યું છે.
• આંતરરાષ્ટ્રીય ચેતવણી: અમેરિકાએ પણ તેના નાગરિકોને ‘તાત્કાલિક ઈરાન છોડી દેવા’ માટે જણાવી દીધું છે. એરલાઈન્સે ફ્લાઈટ્સ રદ કરી દીધી છે અને ઈન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.
ભારતમાં રહેલા નાગરિકોને પણ અપીલ
ભારત સરકાર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. ભારતીય દૂતાવાસે તમામ નાગરિકોને સોશિયલ મીડિયા પર અપડેટ રહેવા અને કોઈ પણ કટોકટીમાં દૂતાવાસના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ભારતમાં રહેતા નાગરિકોને પણ અપીલ કરી છે કે, જો તમે અથવા તમારા કોઈ સંબંધી ઈરાનમાં હોય, તો તેમને તાત્કાલિક તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવા અપીલ કરી છે.


