હવે 10 મિનિટમાં ઓનલાઈન ડિલિવરી નહીં મળે | Now online delivery will not be available in 10 minutes

![]()
– શ્રમ મંત્રાલયની દખલથી બ્લિન્કિટે ‘૧૦ મિનિટ’નું ફીચર હટાવ્યું : સ્વિગિ, ઝોમેટો, ઝેપ્ટો સહિતની કંપનીઓ પણ નમી
– ’10 મિનિટ’માં ડિલિવરી માટે વર્કર્સ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અને તીવ્ર ગતિએ વાહન ચલાવતા, અકસ્માતનું જોખમ વધતું
નવી દિલ્હી : દેશમાં માત્ર ૧૦ મિનિટમાં ડિલિવરીવાળા ક્વિક કોમર્સ મોડલ સામે કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. ક્વિક કોમર્સ કંપનીઓના ડિલિવરી વર્કર્સની સુરક્ષા માટે સરકારે દખલ કરી છે અને કંપનીઓને માત્ર ‘૧૦ મિનિટમાં ડિલિવરી’નું ફીચર હટાવવા આદેશ આપ્યો છે, જેને પગલે બ્લિન્કિટે તેની એપ, વેબસાઈટ, પોર્ટલ પરથી ‘૧૦ મિનિટમાં ડિલિવરી’નું ફીચર હટાવી દીધું છે.
એપ આધારિત અન્ય કંપનીઓએ પણ આ માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સરકારનું કહેવું છે કે આટલી ઝડપથી સામાન પહોંચાડવાના દબાણમાં ડિલિવરી વર્કર્સનો જીવ જોખમમાં મૂકાય છે. તેઓ તિવ્ર ગતિએ વાહન ચલાવતા ટ્રાફિકના નિયમોનો પણ ભંગ કરતા રહે છે.
શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ ‘૧૦ મિનિટમાં ડિલિવરી’ મુદ્દે ક્વિક કોમર્સ સેક્ટરમાં સક્રિય બ્લિન્કિટ, સ્વિગી, ઝોમેટો, ઝેપ્ટો જેવી કંપનીઓ સાથે વાત કરી હતી. બધી કંપનીઓએ માંડવિયાને તેમની બ્રાન્ડની જાહેરાતો, સોશિયલ મીડિયામાંથી ૧૦ મિનિટમાં ડિલિવરીની સમય મર્યાદા હટાવવાનું આશ્વાસન આપ્યું હતું. સરકારે આ કંપનીઓને સ્પષ્ટ કહ્યું હતું કે, ગ્રાહકોની સુવિધાની સાથે ડિલિવરી વર્કર્સની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.
સરકારનું માનવું છે કે ૧૦ મિનિટમાં ડિલિવરીનું વચન માત્ર એક માર્કેટિંગ ટ્રિક બની ગઈ હતી. આ વચન પૂરું કરવા માટે ડિલિવરી વર્કર્સ પર તિવ્ર દબાણ થતું હતું. અનેક વખત તેમણે સમય મર્યાદાનું પાલન કરવા તિવ્ર ગતિએ વાહન ચલાવવું પડતું હતું, તેઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હતા, જેના પગલે અકસ્માતનું જોખમ વધી જતું હતું.સરકારે કહ્યું કે કોઈપણ સેવા કરતા વધુ જરૂરી માણસની સુરક્ષા છે. તેથી કંપનીઓને તેમની એપ અને જાહેરાતોમાંથી ૧૦ મિનિટમાં ડિલિવરીનો દાવો હટાવવા નિર્દેશ અપાયા હતા. સરકારના આદેશ પછી બ્લિન્કિટે તેની એપ, વેબસાઈટ અને જાહેરાતોમાંથી ‘૧૦ મિનિટ ડિલિવરી’નું લખાણ હટાવી દીધું છે. હવે બ્લિન્કિટ માત્ર ‘ઝડપી ડિલિવરી’નો દાવો કરે છે. કંપનીની ટેગલાઈન ‘૧૦,૦૦૦થી વધુ ઉત્પાદનો માત્ર ૧૦ મિનિટમાં ડિલિવર કરાશે’થી બદલીને ‘૩૦,૦૦૦થી વધુ ઉત્પાદનો તમારા ઘરઆંગણે ડિલિવર કરાશે’ કરી દેવાઈ છે. આ સુધારાથી ડિલિવરી વર્કર્સ પર સમયનું દબાણ ઘટી ગયું અને તેઓ વધુ સુરક્ષિત રીતે કામ કરી શકશે.
ઝેપ્ટો અને સ્વિગી ઈન્સ્ટામાર્ટે પણ તેમના ડિલિવરી મોડેલમાં ફેરફાર કર્યો છે. આ કંપનીઓ હવે નિશ્ચિત સમય બતાવવાના બદલે અંદાજિત સમય દર્શાવે છે, જેથી ડિલિવરી વર્કર્સ પર સામાન વહેલા પહોંચાડવાનું દબાણ નહીં રહે. ડિલિવરી વર્કર્સ લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા કે મર્યાદિત સમયમાં ડિલિવરી કરવાની હોવાથી તેમણે તણાવ અને જોખમનો સામનો કરવો પડે છે. અનેક વખત ખરાબ હવામાન, ટ્રાફિક અથવા માર્ગ અકસ્માત છતાં તેમની પાસે ૧૦ મિનિટમાં પહોંચવાની આશા રખાતી હતી. સરકારનો આ આદેશ ડિલિવરી વર્કર્સ માટે ઘણી રાહત લઈને આવ્યો છે.
ગીગ વર્કર્સ અને ડિલિવરી વર્કર્સે તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા અને આવક તરફ સરકારનું ધ્યાન દોરવા માટે ૨૦૨૫ના અંતે ૩૧ ડિસેમ્બરે એક દિવસની પ્રતિકાત્મક હડતાળ પાડી હતી. સરકારના આ એદેશથી ગ્રાહકોએ ડિલિવરી માટે માત્ર પાંચ-દસ મિનિટ રાહ જોવી પડશે, પરંતુ તેના બદલે ડિલિવરી વર્કર્સની સુરક્ષા વધી જશે.


