ટ્રમ્પને ઝટકો! ગ્રીનલેન્ડના PMએ કહ્યું- ‘અમે વેચાણ માટે નથી અને અમેરિકાનો ભાગ પણ નહીં બનીએ’ | Greenland America Issue Greenland Prime Minister Rejects US control Denmark PM

Greenland America Issue: ગ્રીનલેન્ડના વડાપ્રધાને અમેરિકાના નિયંત્રણની ચર્ચાઓને ધરમૂળથી ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડ ડેન્માર્ક સામ્રાજ્યનો અતૂટ હિસ્સો છે તે અમેરિકાની જગ્યાએ ડેન્માર્કને ચૂંટે છે. સાથે ડેન્માર્કની વડાંપ્રધાને પણ આવનાર પડકારો અંગે લોકોને અવગત કર્યા છે.
ગ્રીનલેન્ડ વેચવા માટે નથી: ટ્રમ્પને જવાબ
ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વારંવાર ગ્રીનલેન્ડ ખરીદવાના અને નિયંત્રણના દાવા કડક વિરોધ વ્યક્ત કર્યો છે, ગ્રીનલેન્ડના તમામ નેતાઓ સાથે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ‘ગ્રીનલેન્ડ અમેરિકાનો ભાગ બનવા માંગતુ નથી તે વેચવા માટે નથી, ગ્રીનલેન્ડ ડેન્માર્ક સામ્રાજ્ય સાથે એકજુટતાથી ઊભું છે અને NATO ગઠબંધન પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. અમે ડેનિશ બનવા માંગતા નથી, અમે ગ્રીનલેન્ડર બનવા માંગીએ છીએ, ગ્રીનલેન્ડનું ભવિષ્ય ગ્રીનલેન્ડના લોકો દ્વારા જ નક્કી કરવામાં આવશે.’
આપણી સામે સૌથી કઠિન સમય: ડેન્માર્ક
વધુમાં વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને બીજી વખત ભારપૂર્વક જણાવ્યું કે ‘ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી અને ન તો કોઈ પણ દેશ તેને ખરીદી કે નિયંત્રિત કરી શકે છે. બીજી તરફ ડેનિશ વડાંપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસને ટ્રમ્પના વધતાં દબાવ અને ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકીઓને ગંભીર ગણાવી કહ્યું કે હવે એ વાતના પૂરાવાઓ છે કે આપણી સામે સૌથી કઠિન સમય છે. તેમણે આ ક્ષણને નિર્ણાયક ગણાવી અને ચેતવણી આપી કે ગ્રીનલેન્ડ પર હુમલો કે જબરદસ્તીથી કબજો કરવાની તૈયારી NATO ગઠબંધનના અંતનું કારણ બની શકે છે. તેમણે યુરોપિયન સાથીઓને એકજુથતાનો સંદેશ આપવા અપીલ કરી કે અમે આંતરરાષ્ટ્રીય કાયદા અને લોકોના આત્મનિર્ણયના અધિકારમાં વિશ્વાસ રાખીએ છીએ’

(ડેન્માર્ક વડાંપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસન, ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સન)
કટ્ટર સામનો કરવામાં આવશે
આ પહેલા ગ્રીનલેન્ડના પી.એમ.ઓ. દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, આ ટાપુ રાષ્ટ્રનું સંરક્ષણ ‘નાટો’ સૈન્ય ગઠબંધનનાં માળખામાં જ રહેશે. ‘આ ટાપુ દેશ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ કે તેની ઉપર કબ્જો જમાવવાની કોશિશ ચલાવી લેવાશે નહીં તેનો કટ્ટર સામનો કરવામાં આવશે.’
…તો ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા માટે પ્રમુખને દરેક પ્રકારની સત્તા મળી જશે
બીજી તરફ અમેરિકાના હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્સ (લોકસભા)ના ફલોરિડાના રીપબ્લિકન અલ્ય રેન્ડી ફાઇને, ગ્રીનલેન્ડને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માટેનું વિધેયક મંગળવારે હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્સમાં રજુ કર્યું હતું. આ વિધેયકનું નામ તેમણે ગ્રીનલેન્ડ યેને કએશન એન્ડ સ્ટેટહૂડ એક્ટ તેવું આપ્યું છે. જો આ વિધેયક હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્સ અને સેનેટમાંથી પણ પસાર થતાં વિધિવત કાનૂન બની રહે તો, તે દ્વારા અમેરિકાના પ્રમુખને ગ્રીનલેન્ડ અમેરિકામાં ભેળવવા માટે મંત્રણાથી શરૂ કરી, સેનાકીય પગલા લેવા સુધીની તમામ સત્તા મળી જશે.
NATO તૂટી પડવાની સંભાવના
સહજ છે કે તે સામે ગ્રીનલેન્ડ અને ડેન્માર્ક સહિત યુરોપના તમામ દેશોએ આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો સખત વિરોધ કર્યો છે. અને પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે અમેરિકાના નેતૃત્વ નીચેનું નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) પણ તૂટી પડવાની સંભાવના ઉપસ્થિત થઈ છે. ગ્રીનલેન્ડ હસ્તગત કરવા માટેનું મુખ્ય કારણ તે છે કે આર્કટિક રીજીયન (ધુ્રવ પ્રદેશ)માં વધતી જતી રશિયા અને ચાયનાની કાર્યવાહીનો સામનો કરવા ગ્રીનલેન્ડ પર કબજો જમાવી તેને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવી દેવું. તેને જ કેટલાક અગ્રણીઓ, રાજકારણીઓ તથા કેટલાએ સંરક્ષણ નિષ્ણાતો માને છે. પરંતુ આ સૂચને ભૂ-રાજકીય દ્રષ્ટિએ પણ દુનિયામાં હલચલ મચાવી દીધી છે.
આ પણ વાંચો: ગ્રીનલૅન્ડ મામલે આમને-સામને અમેરિકા અને યુરોપ, EUના ડિફેન્સ ચીફની આકરા શબ્દોમાં ચેતવણી
ગ્રીનલેન્ડ કોકડું વધુ ગૂંચવાયું
આમ અત્યારે તો ગ્રીનલેન્ડ કોકડું ઘણું વધુ ગૂંચવાયું છે. ડેન્માર્ક સાથે ગ્રીનલેન્ડ પણ ‘નાટો’ ગઠબંધનનું સભ્ય છે. અમેરિકા નાટો ગઠબંધનનું અગ્રીમ રાષ્ટ્ર છે. પ્રશ્ન તે છે કે, એક નાટો રાષ્ટ્ર બીજાં નાટો રાષ્ટ્ર ઉપર હુમલો કરી શકે ? બીજી તરફ ટ્રમ્પનાં આ વલણ સામે યુરોપીય રાષ્ટ્રો ડેન્માર્ક અને ગ્રીનલેન્ડની સાથે ઉભા છે. તેઓ સ્પષ્ટ કહે છે કે, ટ્રમ્પના કહેલા પ્રમાણે રશિયન અને ચાઇનીઝ યુદ્ધ જહાજો ગ્રીનલેન્ડ ફરતા ફરે છે પરંતુ તેવું કશું દેખાતું નથી. યુરોપીય દેશો કહે છે કે તે કથન ટ્રમ્પના મનનો તુક્કો જ છે, હકીકત નથી.



